ફરી ઉકળાટ શરૂ:કમોસમી વરસાદથી હંગામી રાહત બાદ મુંબઈમાં ફરીથી ઉકળાટ વધ્યો

Gujarat6/5/2026, 1:18:10 AM
મુંબઈમાં બુધવારે સવારે અચાનક જોરદાર વરસાદ પડ્યો હતો, જેને કારણે અનેક ઠેકાણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ગરમી વચ્ચે અચાનક વરસાદ પડતાં ઉકળાટથી થોડો સમય રાહત મળી હતી, પરંતુ બપોર ફરી ઉકળાટ શરૂ થયો હતો. આ જ રીતે ગુરુવારે સવારે ઉકળાટ ઓર વધી ગયો હતો. હવામાન વિભાગ અનુસાર લઘુતમ તાપમાન 29 ડિ.સે. અને મહત્તમ તાપમાન 32 ડિ.સે. આસપાસ રહ્યું હતું. જોકે ગુરુવારે દિવસ દરમિયાન વરસાદ પડ્યો નહોતો. બુધવારે સવારે મિલિમીટરના હિસાબે નજીવો વરસાદ પડ્યો હતો, જેમાં ટાપુ શહેરમાં 0.96 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 9.84 મીમી તથા પૂર્વીય ઉપનગરોમાં 1.25 મીમી વરસાદ પડ્યો હતો. વિસ્તારો અનુસાર વર્સોવામાં સૌથી વધુ 69 મીમી (25 મીમી એટલે એક ઈંચ) વરસાદ પડ્યો હતો, જ્યારે પાર્લામાં 52 મીમી, અંધેરીમાં 49 મીમી, સાંતાક્રુઝમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદથી થોડો સમય રાહત થઈ, પરંતુ પછીથી ઉકળાટ ઓર વધી ગયો છે. બીજી બાજુ મુંબઈની હવાની ગુણવત્તામાં સુધારો થઈને તે સંતોષકારક શ્રેણીમાં આવી ચૂકી છે. બીકેસીમાં 54 એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ), બોરીવલીમાં 48, ભાયખલામાં 62, અંધેરીમાં 34, ચેંબુરમાં 44, કોલાબામાં 47 અને ઘાટકોપરમાં 61 એક્યુઆઈ નોંધાઈ હતી.
Read Original Article →