અકસ્માત:દાદર વિસ્તારમાં બેફામ બેસ્ટની બસે સાત જણને અડફેટે લીધાઃ એકનું મોત

Gujarat6/9/2026, 12:06:40 AM
અકસ્માત:દાદર વિસ્તારમાં બેફામ બેસ્ટની બસે સાત જણને અડફેટે લીધાઃ એકનું મોત
દાદર વિસ્તારમાં સોમવારે સવારે બનેલા ગમખ્વાર બેસ્ટ બસ અકસ્માતે શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. પ્લાઝા ટોકીઝ અને કોટવાલ ઉદ્યાન નજીક બનેલી આ ઘટનામાં 7 જણ ઘાયલ થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા અને ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર, બેસ્ટની ઇલેક્ટ્રિક બસ ધારાવી તરફથી દાદર તરફ આવી રહી હતી. સવારે અંદાજે 9.15 થી 9.45 વાગ્યાની વચ્ચે કોટવાલ ગાર્ડન ચોક નજીક પહોંચતાં બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને લઈ બસ પહેલાં એક ટ્રેલર સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ રસ્તા પર ઊભેલા તથા પસાર થતાં અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં એક કાર, ટુ-વ્હીલર અને અન્ય કેટલાંક વાહનોને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને એક બાઈક સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને બસ અને વાહનોમાંથી બહાર કાઢવા માટે સ્થાનિકોએ પોલીસ અને રાહત ટીમને મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં જ દાદર પોલીસ, ટ્રાફિક વિભાગ અને બેસ્ટ વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘાયલોને તુરંત એમ્બ્યુલન્સ મારફત સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આ અકસ્માત બાદ દાદર ટીટી, પ્લાઝા ટોકીઝ અને કોટવાલ ગાર્ડન વિસ્તારમા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. 6 જણ ઈજાગ્રસ્ત, એકનું મોત સાયન હોસ્પિટલ દ્વારા જાહેર થયેલો ઇજાગ્રસ્તોનો અહેવાલ મુજબ નૈયાઝ અહેમદ (ઉ.વ. 28), ઇવી સ્કૂટર ચાલક હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત જાહેર કરાયો હતો, જ્યારે અમિત મહાત્રે (ઉ.વ. 41) રાહદારી, વૃષભ ગુપ્તા (ઉ.વ. 22) બાઈક ચાલક, મહેશ દોઈફોડે (ઉ.વ. 50) – બેસ્ટ બસ ઇન્સ્પેક્ટર, વિકાસ પડારે (ઉ.વ. 42) બસ ડ્રાઇવર, રાજેન્દ્ર પેલેકર (ઉ.વ. 57) બસ કંડક્ટર અને સતીશ વાઘમારે (ઉ.વ. 48) બેસ્ટ ઇન્સ્પેક્ટર સારવાર હેઠળ છે, જ્યાં કેટલાકની સ્થિતિ હાલ ગંભીર છે.
Read Original Article →