13 બાંધકામોમાંથી 7 બાંધકામ ખાલી કરાવાયા:12 વર્ષ બાદ શાળા - મેદાન માટેના પ્લોટો ખાલી કરાયા
મુંબઈ મહપાલિકા(બીએમસી) એ લાલબાગ, પરેલ અને મેઘવાડી વિસ્તારમાં શાળાઓ અને મનોરંજન મેદાનો માટે અનામત રાખવામાં આવેલા પ્લોટો પર થયેલા બાંધકામો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે એફ (દક્ષિણ) વિભાગ દ્વારા ચાર બાંધકામો ખાલી કરાવવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે, આ પ્લોટો ખાલી કરાવવા માટે છેલ્લા 12 વર્ષથી સતત પ્રયાસો ચાલી રહ્યા હતા અને હવે મહાપાલિકાને તેમાં સફળતા મળી છે. અધિક મ્યુનિસિપલ કમિશનર (શહેર) ડૉ. અશ્વિની જોશીના નિર્દેશો હેઠળ અને ડેપ્યુટી કમિશનર પ્રશાંત સપકાલેના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આસિસ્ટન્ટ કમિશનર વૃષાલી ઇંગુલેએ સમગ્ર કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.વિકાસ આયોજન યોજના-2034 મુજબ મેઘવાડી, લાલબાગ, પરેલ અને કાલાચોકી વિસ્તારમાં આવેલા પ્લોટ નં. 1/118, 1બી/118, 2/118, 3/118, 4/118 અને 7/118 જાહેર ઉપયોગ માટે મનોરંજન મેદાન અને મ્યુનિસિપલ શાળાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. કુલ 7,872 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા આ પ્લોટો પર 13 બાંધકામો હતા. જેમાંથી અત્યાર સુધી 7 બાંધકામો ખાલી કરાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 6 બાંધકામો સામે પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →