ગુટખાના વિરુદ્ધ રાજ્યવ્યાપી દરોડા:અન્ન અને ઔષધ પ્રશાસનની મુંબઈ સહિતનાં શહેરોમાં 7 મોટી કાર્યવાહી
મહારાષ્ટ્રમાં ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત ખાદ્યપદાર્થો સામે અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ મહિનાની 1 થી 8 જૂન દરમિયાન ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં પાન મસાલા, ગુટખા, ભેળસેળયુક્ત સુપારી, ખાદ્ય તેલ, ગોળ અને એનર્જી ડ્રિંક સહિત કુલ 8 કરોડ 57 લાખ રૂપિયાથી વધુનો ગેરકાયદે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એફડીએ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 6 જૂનથી 8 જૂન દરમિયાન પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા વેચાણ સામે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 38 સ્થળોએ દરોડા પાડી 33 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 19 દુકાનો અને સ્થાપનાઓ સીલ કરવામાં આવી હતી. ઉપરાંત, બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. મુંબઈ, કોંકણ, પુણે, નાશિક, છત્રપતિ સંભાજીનગર, અમરાવતી અને નાગપુર વિભાગોમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. કોંકણ વિભાગમાં સૌથી વધુ 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે મુંબઈ મહાપાલિકા વિસ્તારમાં 6 અને પુણેમાં 5 સ્થળોએ કાર્યવાહી થઈ હતી. હિંગોલીમાં 8 જૂને 2 કરોડ 40 લાખ રૂપિયાની ભેળસેળયુક્ત અને સડેલી સુપારીનો 88 ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે નાંદેડમાં ખુલ્લા ખાદ્ય તેલના ગેરકાયદે સંગ્રહ મામલે 5.75 લાખ રૂપિયાનો 3598 કિલો જથ્થો કબ્જે લેવાયો હતો. પુણે વિભાગમાં દૌંડ, સાંગલી અને સાતારા વિસ્તારમાં નીચી ગુણવત્તાના ગોળનો 2 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો હતો. અન્ન અને ઔષધ પ્રશાસનના કમિશનર તુકારામ મુંઢેએ ચેતવણી આપી છે કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે નાગરિકોને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે શંકા હોય તો ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.
Read Original Article →