રાજ્યના 56 લાખ ખેડૂતોને મળશે લાભ:કેબિનેટની બેઠકમાં કૃષિ લોન માફીને મંજૂરીઃ વધુ 25 હજાર કરોડનો બોજ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફીને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા ચૂંટણી પહેલા કરેલા વચનને આખરે પૂર્ણ કરતા રાજ્યના લાખો ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. સરકારે પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર શેતકરી કર્જ માફી યોજના અંતર્ગત 30 સપ્ટેમ્બર 2025 સુધીની બાકી પાક લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફી મળશે. ઉપરાંત, નિયમિત લોન ચૂકવનારા ખેડૂતોને 50 હજાર રૂપિયા સુધીની પ્રોત્સાહક સહાય પણ આપવામાં આવશે.સરકારના અંદાજ મુજબ રાજ્યના આશરે 56 લાખ ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળશે. કુલ 36,585 કરોડ રૂપિયાનું દેવું માફ થશે, જ્યારે સરકારી તિજોરી પર લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. લાડકી બહેન યોજના પછી હવે લોન માફીના નિર્ણયથી રાજ્યની નાણાકીય સ્થિતિ પર અસર થવાની ચર્ચા પણ શરૂ થઈ છે. ખેડૂતોના લોન માફીનો ઈતિહાસ ભારતમાં કૃષિ લોન માફીનો ઇતિહાસ પણ રસપ્રદ રહ્યો છે. સ્વતંત્ર ભારતની પ્રથમ સત્તાવાર લોન માફી 1987માં હરિયાણાના તત્કાલીન મુખ્યમંત્રી ચૌધરી દેવી લાલે જાહેર કરી હતી. તેમણે સહકારી બેંકોમાંથી લીધેલા 10 હજાર રૂપિયા સુધીના કૃષિ દેવા માફ કર્યા હતા. આરબીઆઈના વિરોધ છતાં તેમણે આ નિર્ણય અમલમાં મૂક્યો હતો. ત્યારબાદ અનેક રાજ્યો અને કેન્દ્ર સરકારે સમયાંતરે લોન માફી યોજનાઓ અમલમાં મૂકી છે. મહારાષ્ટ્રમાં અગાઉ 2017 અને 2019માં લોન માફી આપવામાં આવી હતી, જ્યારે હવે 2026માં ફરી એકવાર સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે.
Read Original Article →