કાર્યવાહી:ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે 234 અનધિકૃત બાંધકામો દૂર

Gujarat6/6/2026, 12:42:44 AM
કાર્યવાહી:ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે 234 અનધિકૃત બાંધકામો દૂર
મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મહત્ત્વાકાંક્ષી ગોરેગાંવ- મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટના કામમાં અવરોધરૂપ બનેલાં 234 અનધિકૃત બાંધકામો સામે શુક્રવારે મુંબઈ મહાપાલિકા (બીએમસી) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીએમસીના ટી-વોર્ડ ઓફિસની અતિક્રમણ હટાવવાની ટીમે અમર નગર-ખીંડીપાડા વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્યિક બાંધકામો દૂર કર્યા હતા. ગોરેગાંવ-મુલુંડ લિંક રોડની કુલ લંબાઈ 12.20 કિલોમીટર છે, અને આ પ્રોજેક્ટ ચાર તબક્કામાં પૂર્ણ થવાનો છે. પ્રોજેક્ટમાં માર્ગ, ભૂગર્ભ ટનલ અને ફ્લાયઓવર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. મહાપાલિકાના જણાવ્યા મુજબ, મુલુંડના ટી વોર્ડ હેઠળના અમર નગર અને ખીંડીપાડા વિસ્તારમાં કુલ 384 જેટલા બાંધકામો પ્રોજેક્ટમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે 150 જેટલા બાંધકામો દૂર કર્યા બાદ શુક્રવારે વધુ 234 બાંધકામો હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનર (ઝોન-6)ના માર્ગદર્શન હેઠળ અને સહાયક કમિશનર યોગિતા કોલ્હેના નેતૃત્વમાં હાથ ધરાઈ હતી. કામગીરી માટે મહાપાલિકાના 10 ઇજનેરો, 100 કર્મચારીઓ તથા 150 ખાનગી મજૂરોની ટીમ તહેનાત કરવામાં આવી હતી. સાથે જ 2 પોકલેન મશીનો, 4 જેસીબી અને 10 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અજય જોશીના માર્ગદર્શન હેઠળ 50 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
Read Original Article →