તૈયારી:મ.રેલવેના કેટલાક સ્ટેશનમાં 20 નવા પ્લેટફોર્મ બાંધવામાં આવશે

Gujarat6/9/2026, 12:07:53 AM
મધ્ય રેલવેમાં આગામી દિવસોમાં કેટલાક સ્ટેશન પર મળીને કુલ 20 નવા પ્લેટફોર્મ બાંધવાની તૈયારી કરવામાં આવી છે. અતિરિક્ત પ્લેટફોર્મના કારણે લોકલ સહિત કોકણ તેમ જ ભારતના અન્ય ભાગોમાં જતા મેલ-એક્સપ્રેસની સંખ્યા વધારવામાં મદદ થશે. આગામી સમયમાં મહા મુંબઈમાં રેલવેનો પ્રવાસ વધુ સહેલો થશે. મધ્ય રેલવેના પરેલ, લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ અને પનવેલ એમ ચાર મહત્વના સ્ટેશનમાં આગામી પાંચ વર્ષમાં નવા પ્લેટફોર્મ તૈયાર થશે. રેલવે અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ તમામ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે અત્યારે વિવિધ વિકાસકામ ચાલુ છે. કેટલાક કામ પ્રસ્તાવિત છે. વધતી લોકસંખ્યા અને લાખો પ્રવાસીઓના રોજિંદા પ્રવાસની જરૂરિયાત ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એના લીધે લોકલ અને લાંબા અંતરની ટ્રેનની સંખ્યા વધારવાનો માર્ગ ખુલ્યો છે. રેલવે બજેટ 2025માં પરેલનો ટર્મિનસ તરીકે વિકાસ કરવાનો પ્રસ્તાવ હતો. પરેલ ટર્મિનસ કુર્લા અને પરેલ દરમિયાનના પાંચમા અને છઠ્ઠા ટ્રેક સાથે જોડવામાં આવશે જેનો ઉપયોગ મેલ, એક્સપ્રેસ ટ્રેન માટે થશે એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન વિકાસ પ્રકલ્પ અંતર્ગત પરેલની પુનર્રચના કરવામાં આવી છે.
Read Original Article →