32 રાહદારીઓએ જીવ ગુમાવ્યો:એક વર્ષમાં બેસ્ટ બસના 108 અકસ્માત, ભાડેની બસના 77

Gujarat6/10/2026, 12:00:11 AM
બેસ્ટ બસની કમીના લીધે વેઈટિંગ પીરિયડ વધ્યો હોવાથી પ્રવાસીઓની હેરાનગતિ થઈ રહી છે અને બીજી તરફ બેદરકારીથી બસ હંકારીને ટકરાવાથી એક વર્ષમાં 32 રાહદારીઓએ જીવ ગુમાવવો પડ્યો હોવાની આઘાતજનક માહિતી પ્રકાશમાં આવી છે. બેસ્ટની બસના એક વર્ષમાં થયેલા 108 અકસ્માતમાંથી સૌથી વધારે 77 અકસ્માત ભાડે લીધેલી ઈલેકટ્રીક બસના છે. તેથી મુંબઈની લોકલ પછી મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ બસ રાહદારીઓ માટે કાળમુખી બની છે. મુંબઈમાં લોકલ ટ્રેન પછી સૌથી વધારે એટલે કે દરરોજ 25 થી 30 લાખ પ્રવાસીઓ બેસ્ટની બસમાં પ્રવાસ કરે છે. બેસ્ટનો પ્રવાસ સુરક્ષિત માનવામાં આવતો હોવાથી આટલી સંખ્યામાં પ્રવાસીઓ એનો ઉપયોગ કરે છે. જો કે માર્ચ 2025થી માર્ચ 2026ના એક વર્ષના સમયગાળામાં બેસ્ટની બસના કુલ 108 અકસ્માત થયા છે. એમાં બેસ્ટની પોતાની માલિકીની બસની સંખ્યા ફક્ત 31 છે. પણ ખાનગી કોન્ટ્રેક્ટર પાસેથી ભાડે લીધેલી બસના અકસ્માતની સંખ્યા વધારે છે. ક્યારેક ડીવાઈડર સાથે ટક્કર, ક્યારેક બીજા વાહન સાથે ટક્કર, ક્યારેક બસમાં આગ લાગવી તો ક્યારેક ડ્રાઈવરનું બસ પરથી નિયંત્રણ છૂટી જવાથી ફૂટપાથ પર ચાલતા રાહદારીઓએ નાહકનો જીવ ગુમાવવો પડ્યો છે. ભાડે લીધેલી બસની પુરવઠાદાર વ્યવસાયિક સંસ્થા માટે આ બધી બસ ડ્રાઈવર સાથે પૂરી પાડવી અનિવાર્ય છે. એ પછી આ બસ ડ્રાઈવરોને દિંડોશી ખાતે પરિવહન પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો ડ્રાઈવરો પર કાર્યવાહી પાકી કોઈ બસ ડ્રાઈવર મદ્યપાન કરીને બસ ચલાવતો હોય એવો શક થાય તો એની તપાસ બ્રેથ એનેલાઈઝરથી કરવામાં આવે છે. એમાં મદ્યપાન કર્યાનું સાબિત થાય તો બસ ચલાવવા માટે સસપેન્શનથી જેવી કાર્યવાહી થઈ શકે છે.
Read Original Article →