102 ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત:મહારાષ્ટ્રની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દોઢ લાખ કરતાં પણ વધુ કેસ વિલંબિત

Gujarat5/17/2026, 12:02:16 AM
મહારાષ્ટ્રમાં સગીર બાળકો સાથે જાતીય અત્યાચાર, મહિલાઓની હત્યા જેવા ગંભીર ગુનાના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગણી થાય છે. એની પાછળ ઝડપથી ન્યાય મળે એવી અપેક્ષા હોય છે. પણ છેલ્લા આઠ-દસ વર્ષની પરિસ્થિતિ જોતા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દોઢ લાખ કરતા વધારે કેસ વિલંબિત છે. છેલ્લા થોડા વર્ષમાં રાજ્યમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. અનેક ગુનામાં નાગરિકો રસ્તા પર ઉતરીને તીવ્ર આંદોલન કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો એવી માગણી કરે છે. એની નોંધ લઈને સરકાર તરફથી તે પ્રકરણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યા. પણ આ જ કોર્ટમાં વર્ષોથી અનેક કેસ વિલંબિત હોવાનું માહિતી અધિકારમાં પ્રકાશમાં આવ્યું છે. મુંબઈમાં હાઈ કોર્ટે માહિતી અધિકારમાં આપેલી માહિતી પ્રમાણે રાજ્યની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દિવાણી અને ફોજદારી સ્વરૂપના 1 લાખ 61 હજાર 937 કેસ વિલંબિત છે. ઓગસ્ટ 2025 સુધીના આંકડા છે. છેલ્લા આઠ મહિનામાં એમાં વધઘટ થઈ હોય એવી શક્યતા છે. હાલની સ્થિતિમાં રાજ્યમાં 11મા નાણા આયોગ અનુસાર 81 અને 14મા નાણા આયોગ અનુસાર 21 એમ 102 ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત છે. તેમની મુદત માર્ચ 2027 સુધીની છે એવી માહિતી કોર્ટ તરફથી આપવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવા છતાં ત્યાં કેસ વિલંબિત રહે છે એના પાછળ અનેક કારણ આપવામાં આવે છે. એમાં જજની કમી, સુનાવણીના સમયે સાક્ષીદાર ગેરહાજર રહેવા, તપાસ સંસ્થા તરફથી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ થવો વગેરેનો સમાવેશ છે. અતિગંભીર ગુનામાં પીડિતોને સમાજની ભાવના પ્રમાણે ઝડપથી ન્યાય મળે એ માટે સરકાર તરફથી આવા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે છે. આ કોર્ટનો સમય નિશ્ચિત કરવામાં આવે છે. પણ તેમ છતાં કેસ વિલંબિત રહે તો કાયદો અને ન્યાય વિભાગ મારફત સરકાર એ કોર્ટને મુદતવધારો આપે છે. તેમ જ એના માટે આર્થિક જોગવાઈ પણ કરવામાં આવે છે.
Read Original Article →