મજૂરોમાં રોષ:શ્રમિકો પાસેથી રોજના 25ના ઉઘરાણા, માથાભારે શખ્સો સામે ફરિયાદ ન લેવાતાં મજૂરોની હડતાળ

Gujarat4/5/2026, 12:00:00 AM
મજૂરોમાં રોષ:શ્રમિકો પાસેથી રોજના 25ના ઉઘરાણા, માથાભારે શખ્સો સામે ફરિયાદ ન લેવાતાં મજૂરોની હડતાળ
મોરબીના એકમાત્ર નવલખી પોર્ટ પર મોટાપાયે કોલસો ઉતરતો હોય છે અને તે કોલસાનું લેવલિંગ કરવાની કામગીરી નવલખી આસપાસમાં રહેતા મજૂરો કરતા હોય છે. હાલ નવલખી પોર્ટમાં 40 થી 50 જેટલા મજૂરો આ કામગીરી કરે છે. આખો દિવસ દરમિયાન તેઓ પાવડાથી મજૂરી કરીને પોતાનું પેટિયું રળે છે, પરંતુ જાણે કેટલાક માથાભારે શખ્સોને આ મજૂરોની મહેનતની કમાણીમાં પણ હરામનું કમાવી લેવાની દાનત હોય તેવી સ્થિતિ બની છે કારણ કે દિવસના માત્ર 400 રૂપિયા કમાતા આ મજૂરો પાસેથી બાઈકમાં આવતા આઠ જેટલા શખ્સો મજૂર દીઠ ૨૫ રૂપિયા આપવા પડશે અને જો નહીં આપે તો તેઓ સાથે ધાક ધમકીથી વાત કરાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ બાબતે મજૂરોએ માળિયા પોલીસ મથક વિસ્તારના જમાદારને પણ જાણ કરી હતી, પરંતુ ચાર દિવસ જેટલો સમય થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મજૂરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આખરે કંટાળી જઇ શ્રમિકો હડતાળ પર ઉતરી ગયા હતા અને જ્યાં સુધી તેઓ સાથે દાદાગીરી કરતા આ શખ્સોને પકડી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કામ પરત નહીં ફરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મજૂરો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરવા છતાં પોલીસ કાર્યવાહી કરી રહી નથી. જેથી આ મુદ્દે રેન્જ આઇ.જી કડક કાર્યવાહી કરે તેવી માંગણી શ્રમિક ફિરોજભાઈએ કરી છે. અમે શંકાસ્પદને ઉઠાવ્યા,મજૂરોએ ફરિયાદ ન કરી સમગ્ર ઘટના અંગે માળિયા મિયાણા પોલીસ મથકના પી.આઈ. કે કે દરબારે જણાવ્યું હતું કે તેમના સુધી આ અંગે કોઈ ફરિયાદ પહોંચી નથી.નીચેના સ્ટાફ પાસેથી આ અંગેની માહિતી મળી એટલે અમે તુરત જે તે શખ્સોને ડીટેઈન કર્યા હતા પરંતુ બાદમાં આ શ્રમિકોએ પોલીસ ફરિયાદ નથી કરવી તેમ જણાવ્યુ હતું.
Read Original Article →