ટંકારામાં પતિએ બીજી પત્નીની હત્યા કરી:પહેલી પત્ની છોડી જવાના ઝઘડામાં માથામાં બોથડ પદાર્થ મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી

Gujarat4/10/2026, 7:45:30 AM
ટંકારામાં પતિએ બીજી પત્નીની હત્યા કરી:પહેલી પત્ની છોડી જવાના ઝઘડામાં માથામાં બોથડ પદાર્થ મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી
ટંકારાના લજાઈ ગામ નજીક એક કારખાનાના ક્વાર્ટરમાં પતિએ પોતાની બીજી પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલી પત્ની છોડી જવાના મુદ્દે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિએ મૃતદેહને લજાઈ ગામ નજીક ભીમનાથ મંદિરથી આગળ ડેમ પાસે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. આ ઘટનાની જાણ મૃતક મહિલાના દીકરાએ પોલીસને કરી હતી. માહિતી મળતા જ ટંકારા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને મૃતક મહિલાના દીકરાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતક મહિલાના દીકરા સાહિલ સંજયભાઈ ભોજવીયા (ઉંમર ૧૭, રહે. જોગણીનગર, શનાળા, હાલ લજાઈ) એ તેના પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (રહે. લજાઈ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સંજયભાઈએ શકુબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. રાત્રિના સમયે સંજયભાઈ અને શકુબેન વચ્ચે સંજયભાઈની પહેલી પત્ની ગંગાબેન બાબતે બોલાચાલી થઈ હતી. સંજયભાઈએ શકુબેનને કહ્યું હતું કે, "તારા કારણે મારી પહેલી પત્ની મારા છોકરાઓ અને મને છોડીને જતી રહી છે." આ ઝઘડા દરમિયાન સંજયભાઈએ શકુબેનના માથામાં બોથડ પદાર્થ માર્યો હતો, જેના કારણે વધુ પડતા રક્તસ્ત્રાવથી તેમનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે સવારે સંજયભાઈએ દીકરા સાહિલને જણાવ્યું હતું કે તેણે શકુબેનની હત્યા કરી છે અને મૃતદેહનો નિકાલ કરવા જવાનું છે. જો સાહિલ નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સાહિલ તેના પિતા સાથે ગયો ન હતો. સંજયભાઈ એકલા જ રીક્ષામાં મૃતદેહ લઈ ગયા હતા. સાહિલ પાછળ ગયો ત્યારે તેણે જોયું કે તેના પિતાએ મૃતદેહને ભીમનાથ મંદિરથી આગળ ડેમ સામે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો.
Read Original Article →