ટંકારામાં તમાકુની ચોરી, બે આરોપી ઝડપાયા:દુકાનમાંથી 53 હજારથી વધુનો મુદ્દામાલ કબજે, એકની શોધખોળ
ટંકારામાં દુકાનમાંથી 53,920 રૂપિયાની તમાકુના ડબ્બાની ચોરીના ગુનામાં પોલીસે રાજકોટના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 3,63,920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે ટંકારાના દયાનંદનગર સોસાયટીમાં રહેતા હિતેશભાઈ રમેશભાઈ ભટાસણા (ઉંમર 40)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગત 17 મેના રોજ વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ ટંકારાની પનારા ચેમ્બરમાં આવેલી તેમની શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનના શટરના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી. ચોરો દુકાનમાંથી બાગબાન તમાકુના 16 નંગ કાર્ટુન લઈ ગયા હતા, જેની કુલ કિંમત 53,920 રૂપિયા થાય છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસે રાજકોટના રવિ ભીખાભાઈ ચાઉ (ઉંમર 23, રહે. હુડકો ચોકડી, રણુજા મંદિર પાસે) અને રૂપેશ ચંદ્રકાંતભાઈ સંચાણિયા (ઉંમર 29, રહે. કોઠારીયા મેઈન રોડ, ગણેશ નગર)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરી કરેલા તમાકુના 16 ડબ્બા (કિંમત 53,920 રૂપિયા), 3 લાખ રૂપિયાની સ્વિફ્ટ કાર (નંબર GJ 6 KP 3229) અને 10,000 રૂપિયાના બે મોબાઈલ ફોન સહિત કુલ 3,63,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં રાજકોટના કોઠારીયા મેઈન રોડ, સોમનાથ પાર્કમાં રહેતો સુરેશભાઈ અશોકભાઈ ગવડીયા નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી ટંકારાના પી.આઈ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Read Original Article →