ટંકારા રોડ પર પંચર ટ્રકમાંથી દારૂ ઝડપાયો:14,352 બોટલ મળી, બે સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી પોલીસે પંચર પડેલા એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાંથી કુલ 14,352 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 59.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને બંધ બોડીના ટ્રકમાં દારૂની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી. વોચ દરમિયાન, પોલીસને જીજે 14 ઝેડ 6857 નંબરનો એક ટ્રક નેકનામ-પડધરી રોડ પર પંચર હાલતમાં રોડ સાઈડમાં ઊભેલો જોવા મળ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી નાની-મોટી કુલ 14,352 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 56.94 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ. 3 લાખની કિંમતનું વાહન મળી કુલ રૂ. 59.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા એસપી મુકેશ પટેલ, વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાની સૂચના અને ટંકારા પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. દારૂ ભરેલો ટ્રક પકડાયો ત્યારે તેનો ડ્રાઈવર હાજર ન હતો. પોલીસે ટ્રકના ચાલક અને નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (રહે. સનાળા બાયપાસ, તુલસી પાર્ક, મોરબી) સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ દારૂના જથ્થાના મૂળ સુધી પહોંચવા તપાસ ચલાવી રહી છે.
Read Original Article →