ટંકારા પોલીસે બાઇક ચોરને ઝડપ્યો:વાહન ચેકિંગમાં 5 ચોરાઉ બાઇક કબજે કરાયા, રાજકોટમાંથી ચોરી કરાયા હતા
ટંકારા તાલુકા પોલીસે મીતાણા-વાંકાનેર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન એક રીઢા બાઈક ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલા શખ્સ પાસેથી કુલ 5 ચોરાઉ મોટરસાઈકલ મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા જેટલી થાય છે. પ્રાથમિક તપાસમાં આ તમામ બાઈક રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો
ટંકારા તાલુકા પોલીસ મથકના PI જે.ડી. ઝાલાની સૂચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મીતાણા-વાંકાનેર હાઈવે પર વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક બાઈક સવારને રોકી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ચાલક પાસે બાઈકના કાયદેસરના કાગળો નહોતા અને તે પોલીસના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. કુલ 5 બાઈક કબજે કરાયા
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઈક ચોરાઉ છે. પકડાયેલ આરોપીની ઓળખ અલ્પેશ મુનેશ કુંઢીયા (ઉંમર 19, રહે. પંચાસીયા, તા. વાંકાનેર) તરીકે થઈ છે. આરોપીની વધુ તપાસમાં તેની પાસેથી અન્ય 4 ચોરાઉ બાઈક પણ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 5 વાહનો સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસની વિગત
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ આ તમામ વાહનો રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી હસ્તગત કર્યા હતા. આ મામલે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી સાથે અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ.
Read Original Article →