ટંકારામાં જમીન વિવાદમાં ડબલ મર્ડર:તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજા પર ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત

Gujarat6/9/2026, 3:12:27 PM
ટંકારામાં જમીન વિવાદમાં ડબલ મર્ડર:તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજા પર ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં વાડીની જમીન માપણીના મામલે થયેલા વિવાદમાં કાકા-ભત્રીજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ડબલ મર્ડરની ઘટનામાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના સગા ભત્રીજાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે અને પોલીસનો ચુસ્ત કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મૃતક કાકા-ભત્રીજાની વિગત જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા - ઉંમર 40, ઉપપ્રમુખ, ટંકારા તાલુકા ભાજપ હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા - ઉંમર 21, જયપાલસિંહનો સગો ભત્રીજો જમીનની માપણી બાદ ખૂંટા મારવાના મુદ્દે વકર્યો વિવાદ મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે આવેલી વાડીની જમીનની માપણીનું કામ ચાલી રહ્યું હતું. જમીનની સત્તાવાર માપણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરહદ નક્કી કરવા માટે જમીન પર ખૂંટા મારવામાં આવ્યા હતા. આ માપણી અને ખૂંટા મારવા અંગે પાડોશમાં ખેતર ધરાવતા ખેડૂત સાથે કોઈ પ્રશ્ન ઊભો થયો હતો. આથી, ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલસિંહ ઝાલાએ પાડોશી ખેડૂતને ફોન કરીને આ બાબતે સ્થળ પર ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. પાડોશી બે સગા ભાઈઓ હથિયારો સાથે ધસી આવ્યા જયપાલસિંહે ફોન કરીને બોલાવતા જ પાડોશમાં ખેતર ધરાવતા બે સગા ભાઈઓ સામાન્ય ચર્ચા કરવાના બદલે પૂર્વ આયોજિત કાવતરાની જેમ ઘાતક તીક્ષ્ણ હથિયારો સાથે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ત્યાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. આવેશમાં આવી ગયેલા બંને પાડોશી ભાઈઓએ જયપાલસિંહ અને તેમના ભત્રીજા પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘાતકી હુમલો કરી દીધો હતો. કાકા-ભત્રીજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત આ હુમલો એટલો ભયાનક અને જીવલેણ હતો કે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા વાગવાને કારણે જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ ઝાલા બંને લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. હુમલાખોરો ગુનો આચરીને નાસી છૂટ્યા હતા, જ્યારે ગંભીર ઈજાઓના કારણે કાકા-ભત્રીજા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જમીન માપણીનો સામાન્ય વિવાદ પલભરમાં ડબલ મર્ડરમાં પલટાઈ જતાં નાના એવા ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસનો મોટો કાફલો મેઘપર ઝાલા ગામે તૈનાત આ બેવડી હત્યાની જાણ થતાં જ ટંકારા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો મેઘપર ઝાલા ગામે દોડી ગયો હતો. ગામમાં પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ (PM) અર્થે ટંકારાની સરકારી/સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હોસ્પિટલે રાજકીય-સામાજિક અગ્રણીઓની ભીડ, ફરિયાદની તજવીજ ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેમના યુવાન ભત્રીજાની ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે સ્થાનિક રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોની વિધિવત ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →