ગૌશાળા હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારમાં પાણીકાપ‎:મોરબી શહેરના અમુક વિસ્તારોને આજથી બે દિવસ તરસ્યા રહેવું પડશે

Gujarat5/24/2026, 1:10:13 AM
મોરબીમાં હાલ 44 ડિગ્રી જેટલી આગઝરતી ગરમીને કારણે જનજીવન અગનભઠ્ઠી શેકાઇ રહ્યું હોવાની વચ્ચે શહેરની લીલાપર ગૌશાળા હેડવર્કસ હેઠળના તમામ વિસ્તારોને બે દિવસ પાણી વગર રહેવું પડે તેવી નોબત આવી છે. જેમાં મનપાના વોટર વર્કસ વિભાગે ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD હેડવર્કસના રીનોવેશન અને લાઈન શીફટીંગની કામગીરીને કારણે આજે રવિવારે અને કાલે સોમવારે એમ બે દિવસનો પાણીકાપ જાહેર કરી દીધો છે. તેથી ગૌશાળા હેડવર્કસ હેઠળના તમામ વિસ્તારોમાં બે દિવસ સુધી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. મોરબી મહાપાલિકા હદ વિસ્તારમાં આવેલા લીલાપર ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD હેડવર્કસના રિનોવેશનની કામગીરી તેમજ લાઈન શિફટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે આજે તારીખ 24/ 5/2026 અને આવતીકાલે તા. 25/5 એમ 2 દિવસ સુધી મનપાના વોટર વર્કસ વિભાગે અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ વિસ્તારોને પાણી નહીં મળે આ કામગીરીને પગલે સુરજ બાગ, દરબાર ગઢ, રણછોડ નગર, દાણાપીઠ, સામા કાંઠે, કેસર બાગ અને પંચાસર રોડ વગેરે હેડવર્કસથી વિતરણ થતા તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. સંબંધિત વિસ્તારોના તમામ નાગરિકોને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ કરી રાખવા મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના ડેપ્યુટી ઈજનેરે જણાવ્યું છે. જો કે નોંધનીય બાબત એ છે કે મનપાને જાહેરાત કરી છે છેક 23મીએ અને 24મીથી જ પાણી કાપ અમલી થવાનો છે ત્યારે લોકો પાણીનો સંગ્રહ કરવા ઇચ્છે તો પણ કેવી રીતે કરી શકે? મનપાએ કમસેકમ બે કે ત્રણ દિવસ અગાઉ તો જાહેરાત કરવી જોઇએ કે જેથી કરીને પ્રજા પાસે પુરતો સમય રહે.
Read Original Article →