બેવડી ઋતુનો માર:મોરબીમાં સિઝનલ ફ્લૂ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો

Gujarat4/9/2026, 2:14:33 AM
બેવડી ઋતુનો માર:મોરબીમાં સિઝનલ ફ્લૂ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો
માર્ચ મહિનાથી શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવે જન આરોગ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આફત બાદ પારો ઊંચકાતા સર્જાયેલી બેવડી ઋતુએ સ્વાસ્થ્યને બાનમાં લીધું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સીઝનલ ફ્લૂ, શરદી અને વાયરલ કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. માર્ચ અને એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીના આંકડા જોઈએ તો, સીઝનલ ફ્લૂ (ARI) ના કુલ 1021 કેસ નોંધાયા છે. જેમાં માર્ચમાં 884 અને એપ્રિલના માત્ર સાત દિવસમાં 137 કેસનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે શરદી-ઉધરસના કુલ 765 કેસ અને ઝાડા-ઉલટીના કુલ 676 કેસ સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે હવામાં વધેલો ભેજ અને ત્યારબાદની આકરી ગરમી વાયરસના ફેલાવા માટે અનુકૂળ સાબિત થઈ છે. મચ્છરનો ઉપદ્રવ વધ્યો, છતાં ચોપડે મેલેરિયા નિલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ હોવા છતાં આરોગ્ય તંત્રના સત્તાવાર ચોપડે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી, જે આંકડાઓ સામે શંકા ઉપજાવી રહ્યા છે. ડેન્ગ્યુનો પણ સમગ્ર સીઝનમાં માત્ર 1 કેસ નોંધાયો છે. જોકે, મચ્છરજન્ય બીમારીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં સરકારી ચોપડે આંકડો શૂન્ય રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ સ્થિતિને નિયંત્રિત કરવા પાલિકા દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
Read Original Article →