રાજકોટના શખ્સે મોરબીના બે વેપારીને છેતર્યા:ઇન્સ્ટન્ટ લોનના નામે દસ્તાવેજો મેળવી ચાર લોન લીધી
મોરબીમાં ઇન્સ્ટન્ટ લોન અપાવવાના બહાને રાજકોટના એક શખ્સે બે વેપારી સાથે છેતરપિંડી કરી છે. આરોપીએ વેપારીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર મેળવી તેમના નામે ચાર જુદી જુદી લોન લીધી હતી, જેમાંથી ત્રણ લોનના પૈસા ભર્યા ન હતા. આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી સંજયભાઈ સગુણભાઈ કાગડા (ઉં.વ. 42, રહે. કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી) એ રાજકોટના સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ (રહે. લકી પાર્ક શેરી નં.1, સોમનાથ સોસાયટી, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ મોરબીની મેઈન બજારમાં આવેલી ગિરિરાજ વાસણ ભંડાર દુકાન પાસે સંજયભાઈનો મોબાઈલ ફોન મેળવી લીધો હતો. આરોપીએ સંજયભાઈની જાણ બહાર તેમના મોબાઈલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે આરોપીએ સંજયભાઈના નામે ₹62,000 અને ₹11,000 એમ બે લોન લીધી હતી. તેમાંથી ₹11,000ની લોન આરોપીએ ભરી દીધી હતી. આ ઉપરાંત, આરોપીએ સાહેદ આસનદાસ જીયોભાઈ રબારીના નામે પણ ₹40,000 અને ₹26,500 એમ બે જુદી જુદી લોન લીધી હતી. આમ, આરોપીએ કુલ ચાર લોન લીધી હતી, જેમાંથી એક લોન ભરી દીધી હતી, પરંતુ અન્ય ત્રણ લોનના પૈસા ભર્યા ન હતા અને બંને વેપારી સાથે છેતરપિંડી કરી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ જ આરોપીને અગાઉ આવા જ ગુનામાં થાન પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સાયબર ક્રાઈમ સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 11 જેટલા ગુના નોંધાયેલા છે.
Read Original Article →