સંસ્કાર સિંચન:સોશ્યલ મીડિયાના માયાજાળથી બચીને યુવતીઓ સંયમ તેમજ સમજણ અને સંસ્કાર કેળવે તો જ સાચું કેરિયર બનશે
ભાસ્કર ન્યૂઝ | મોરબી મોરબી શહેરના કન્યા છાત્રાલય ખાતે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય 'સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષિત નારીઓ મોર્ડન થવાની ઘેલછામાં સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલી રહી હોવાથી સામાજિક કુટુંબ વ્યવસ્થા કુંઠિત થઈ રહી છે. આ સ્થિતિમાં નારીઓમાં સંસ્કાર સાથે સંસ્કૃતિનું જ્ઞાન આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા સ્કૂલ-કોલેજની દીકરીઓને વર્તમાન પડકારો સામે જાતીય સુરક્ષા, સ્વરક્ષણ અને સંસ્કારો કેળવવાનું આત્મજ્ઞાન કરાવાયું હતું. સમારોહના પ્રથમ દિવસે વક્તા અને મોટિવેશનલ સ્પીકર અંકિતાબેન મુલાણીએ દીકરીઓને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીઓ સાથે બનતા અઘટિત બનાવો માટે માત્ર સોશ્યલ મીડિયાને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી, કારણ કે તે તો એક સાધન છે. દીકરીઓ મુગ્ધાવસ્થામાં જો સમજણ, સંસ્કાર અને સંયમ કેળવે તો આ માયાજાળના દુષ્પરિણામથી બચી શકે છે. દીકરીઓએ કેરિયર બનાવવાની ઉંમરે માત્ર પોતાના ગોલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. માબાપે સેવેલા સ્વપ્નોને સાકાર કરી સમાજ અને દેશનું ભલું કરવું એ જ સાચા સંસ્કાર છે. પુત્રવધુના વર્તનથી સાસુ-સસરા વૃદ્ધાશ્રમ ભેગા થાય છે કાર્યક્રમના બીજા દિવસે બ્રહ્માકુમારી ડો. દામિનીદીદીએ સ્ત્રીઓના સંસ્કાર અને સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અંગે આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમમાં રહેલા લોકો કોઈના માવતર નથી પણ એ સાસુ-સસરા છે. પુત્રવધુ ઘરમાં આવી ન હતી ત્યારે માબાપ પુત્ર સાથે આનંદથી રહેતા હતા. પરંતુ પુત્રવધુએ જ સાસુ-સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલવા મજબૂર કર્યા હોય છે. પુત્રવધુના આવા કુસંસ્કાર તેના પોતાના માતાપિતાને લાંછન લગાડે છે. આ સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આદ્રોજાએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહમાં બહોળી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી.{ તસવીર : રવિ બરાસરા
Read Original Article →