સ્થાનિક સ્વરાજની ચૂંટણી:મોરબી મહાપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ, નવ ફોર્મ જમા થયા

Gujarat4/9/2026, 2:23:52 AM
મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી સોમવારથી શરૂ થઈ હતી. પ્રથમ બે દિવસ સુધી વિવિધ પાલિકા, મહાનગરપાલિકા તેમજ પંચાયતો માટે માત્ર ફોર્મ ઉપાડવાની કામગીરી ચાલી હતી, પરંતુ એક પણ ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યા ન હતા. જોકે, બુધવારથી વિવિધ સંસ્થાઓ માટે ફોર્મ ભરવાના વિધિવત શ્રી ગણેશ થયા છે. બુધવારે મોરબી મહાનગરપાલિકાના અલગ-અલગ ત્રણ વોર્ડ માટે કુલ 9 ફોર્મ ભરાયા છે, જ્યારે વાંકાનેર તાલુકા પંચાયતની બે બેઠકો માટે 2 ફોર્મ જમા થયા છે. ચૂંટણી જંગ જામતા વહીવટી તંત્ર દ્વારા પણ ફોર્મ ચકાસણી અને સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજકીય પક્ષોના સત્તાવાર મેન્ડેટ જાહેર થતા જ ઉમેદવારોનો ધસારો વધવાની પૂરેપૂરી શક્યતા છે. હાલ ભાજપ દ્વારા નામો જાહેર ન કરાતા સસ્પેન્સ યથાવત છે, જેના કારણે અન્ય પક્ષોના મજબૂત ઉમેદવારો પણ 'વેઇટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. વોર્ડ મુજબ નોંધાયેલી ઉમેદવારી મોરબી મનપાના વોર્ડ-8 માં આમ આદમી પાર્ટીના અન્નપુર્ણાબેન ઘૂમલિયા અને અસ્લમભાઈ ઓડિયાએ ફોર્મ ભર્યા છે. વોર્ડ-2 માં કાજલબેન ધંધુકિયા, તેજલબેન કાનગડ, જયેશ સારેસા અને ઇકબાલ હુસેન ઓડિયાએ દાવેદારી કરી છે. જ્યારે વોર્ડ-10 માં વીરજી ચાવડા અને લાલજી જાલરિયાએ ઝંપલાવ્યું છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં ચિત્રાખડા બેઠક પરથી કોંગ્રેસના કનુબેન ડાભી અને ઢુવા બેઠક પરથી જયશ્રીબેન રીબડિયાએ ઉમેદવારી નોંધાવી છે.રાજકીય પક્ષોના સત્તાવાર મેન્ડેટ મળતા જ ફોર્મ ભરવામાં તેજી આવશે."
Read Original Article →