નવા કમિશનર સામે ટ્રાફિક, દબાણો સહિત અનેક પડકાર‎:દ્વિતીય કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ ચાર્જ સંભાળ્યો : રાજકોટ મનપાની હરોળમાં લાવવાનો દાવો

Gujarat5/23/2026, 12:00:00 AM
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરેનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓની બદલી અને બઢતી સાથે મોરબી જિલ્લાના કલેકટરની જવાબદારી મળી છે અને હવે જિલ્લાના સૌથી મોટા શહેરને વિકાસના માર્ગે દોડાવવાની જવાબદારી હવે મહિલા અધિકારીના હાથમાં આવી છે. બીજા કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ પદભાર સંભાળી લીધો છે. તેમણે દાવો કર્યો હતો કે મોરબીને રાજકોટ મહાનગરપાલિકાની હરોળમાં લાવીને ઊભું કરવાની તેમની ઇચ્છા છે. જો કે, વાસ્તવિકતા એ છે કે મોરબી મહાનગર બન્યાના દોઢ વર્ષ બાદ પણ હજુ શહેરની સ્થિતિ પાલિકા વખતે હતું તેના કરતાં પણ નબળી જોવા મળી રહી છે. મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને‎સંકલનને પ્રાથમિકતા: કલેક્ટર‎ મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે ૨૦૧૭ની બેચના IAS અધિકારી સ્વપ્નિલ ખરેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીઓમાં મોરબીના કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરાઇ છે. ખરેએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણ ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી કરી છે. તેઓએ મોરબી મનપાના ના પ્રથમ કમિશનર તરીકે પણ સેવાઓ આપી હોવાથી તેઓ મોરબીના ભૌગોલિક અને વહીવટી પ્રશ્નોથી પરિચિત છે. કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સ્વપ્નિલ ખરેએ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ અને ન્યાયિક રીતે થાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરીમાં આદર્શ સમન્વય સ્થાપવામાં આવશે તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે નવા મહિલા કમિશનર સામેના આ 4 મુખ્ય પડકારો‎. 1. કાયમી દબાણો હટાવવામાં તંત્ર લાચાર : શહેરના તમામ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર દબાણોનો ભરડો છે. મનપા અત્યાર સુધી વન રોડ વન વિક અંતર્ગત દબાણ દુર કરવાની કામગીરી તો કરી પણ તેમાં પુરતી સફળતા મળી નથી ખાસ કરીને શહેરના પોશ વિસ્તાર ગણાતા શનાળા રોડ, રવાપર રોડ, એસપી રોડ,જેલ રોડ,દરબાર ગઢથી લાતી પ્લોટને જોડતાં રોડ જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા કથળી છે અને સ્થિતિ ''જૈસે થે'' વણસેલી જોવા મળી રહી છે. 2.વિકાસ કામોની ''મંથર ગતિ'' અને ગુણવત્તાનો પ્રશ્ન: મનપા દ્વારા ગત એક વર્ષમાં રોડ-રસ્તા, બગીચા, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ સહિતના કરોડોના કામો મંજૂર તો કરવામાં આવ્યા છે, પરંતુ આ તમામ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. મંથર ગતિએ ચાલતા ખોદકામોને કારણે નાગરિકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ૩. મનપા કચેરીમાં સ્ટાફની તંગી અને આંતરિક અસંતોષ : મનપાની વહીવટી સ્થિતિ પણ ચિંતાજનક છે. સ્ટાફ અને અધિકારીઓ ઉપરી અધિકારીઓના કથિત દબાણ અને ખરાબ વાતાવરણથી કંટાળીને નોકરી છોડીને ચાલ્યા જાય છે. આ સંજોગોમાં સ્ટાફ ટકી રહે અને કામનું યોગ્ય વાતાવરણ ઊભું થાય તે જોવાની જવાબદારી નવા કમિશનરની રહેશે. ૪. ચોમાસા પૂર્વેનું આયોજન : ગત વર્ષે ચોમાસા દરમિયાન મનપાના અપૂરતાં અને નબળા આયોજનને કારણે મોટાભાગના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગંદકીની સમસ્યાએ માથું ઊંચક્યું હતું. તો અગાઉ મનપા દ્વારા જૂની અને જર્જરિત ઈમારતોને નોટીસ ફટકારવામાં આવી હતી. ઘણા આસામીઓ સામે માત્ર નોટીસ આપી સંતોષ માની લેવાયો હતો ત્યારે આ વર્ષે કામગીરી વધુ સુદ્દઢ કરી વહેલી તકે આગોતરું આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.
Read Original Article →