મોરબીમાં હત્યાનો બદલો લેવા ઘરમાં તોડફોડ, આગચંપી:નવી નવલખી ગામે ₹1.50 લાખનું નુકસાન, પરિવારને ધમકી; પોલીસ ફરિયાદ
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના નવી નવલખી ગામે હત્યાના બદલામાં એક પરિવારના ઘરમાં તોડફોડ અને આગચંપીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં આશરે ₹1.50 લાખની માલમત્તાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મૂળ નવી નવલખી ગામના વતની અને હાલ જામનગરના માધાપરમાં રહેતા 45 વર્ષીય બાનુબેન સાઈચાએ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઇબ્રાહીમ હારૂનભાઈ સોતા, ઈશાક કરીમભાઈ પઠાણ, શકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હશનભાઈ સોતા, ફરીદાબેન સુલતાનભાઈ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા (તમામ નવી નવલખી ગામ) તેમજ રીહાના ઇબ્રાહીમભાઈ સોતા (વવાણીયા)ને આરોપી તરીકે નામજોગ કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, 11 મે, 2026ના રોજ નવી નવલખી ગામના અબ્બાસ અબ્દુલભાઈ સોતાની હત્યા થઈ હતી. આ કેસમાં ફરિયાદીના પુત્ર હુશેન અભરામભાઈ સાઈચાનું નામ સંડોવાયેલું હોવાથી મૃતકના સગા-સંબંધીઓએ મનદુઃખ રાખીને ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ઘરની અંદર અને બહારનો ઘરવખરીનો સામાન બહાર કાઢી તોડફોડ કરી સળગાવી દીધો હોવાનો આક્ષેપ છે. આ બનાવ અંગે માળીયા મીયાણા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →