મોરબીમાં ભાજપને ઝટકો, પૂર્વ કોંગ્રેસ પ્રમુખની ઘરવાપસી:મુકેશભાઈ ગામી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, બે વર્ષ પછી પુનરાગમન

Gujarat4/8/2026, 8:11:55 AM
મોરબીમાં ભાજપને ઝટકો, પૂર્વ કોંગ્રેસ પ્રમુખની ઘરવાપસી:મુકેશભાઈ ગામી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, બે વર્ષ પછી પુનરાગમન
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષને ઝટકો લાગ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, જે છેલ્લા બે વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા, તેમણે ભાજપ સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં મુકેશભાઈ ગામી પોતાના સમર્થકો અને અગાઉ તેમની સાથે ભાજપમાં જોડાયેલા આગેવાનો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયનભાઈ અઘારા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પરિવાર દ્વારા મુકેશભાઈ ગામી અને તેમની ટીમને આવકારવામાં આવી હતી. મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, ક્ષણિક ક્રોધના કારણે તેઓ બે વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. જોકે, કોંગ્રેસ હંમેશા તેમના દિલમાં હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલીયાએ તેમને અનેક વખત કોંગ્રેસમાં પાછા ફરવા વિનંતી કરી હતી. આજે તેઓ કિશોરભાઈ ચીખલીયાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ફરી કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે તેઓ અને તેમની ટીમ તન, મન, ધનથી પ્રચાર-પ્રસારમાં જોડાશે તેવી તેમણે ખાતરી આપી હતી.
Read Original Article →