પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની કરી ક્રૂર હત્યા:કામ બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાઈને 85 વર્ષના વૃદ્ધ પિતાના પગ કાપી નાખ્યા; ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Gujarat4/9/2026, 7:09:23 AM
પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની કરી ક્રૂર હત્યા:કામ બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાઈને 85 વર્ષના વૃદ્ધ પિતાના પગ કાપી નાખ્યા; ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કળિયુગની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. જેમાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના? મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને કોઈ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને એટલો હદે માઠો લાગી ગયો કે, તેણે માનવીય સંવેદનાઓ નેવે મૂકી પિતા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. લોહીલુહાણ પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રવીણે ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો. વૃદ્ધ પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા અને જીવલેણ ઘા મારી દેતાં જીવણભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ આ લોહિયાળ ખેલ બાદ મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણી (ઉં.વ. 28)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના જ સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ ઘટનાની જાણ થતા જ માળીયા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ભરતભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પિતાની હત્યા કરનાર આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મોટાભેલા ગામ સહિત સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પિતા-પુત્રના પવિત્ર સંબંધોને લાંછન લાગ્યું હોવાની ચર્ચાઓ જાગી છે. ---- આ પણ વાંચો પુત્રએ માતા સાથે મળીને સાવકા પિતા પર સિમેન્ટનો ચૂલો ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મુંજિયાસર ગામે બે મહિના પહેલાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી અને ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક પુત્રએ પોતાના સાવકા પિતાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યાની આ ઘટનામાં પુત્રની માતાએ મદદગારી કરી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… ધ્રાંગધ્રાના જીવ ગામે યુવકે સગા મામાના દીકરાની હત્યા કરી ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ નજીક બનેલો એક વાહન અકસ્માત હત્યામાં પરિણમ્યો હતો. 15 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉં.વ. 29, રહે. જીવા)નું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે તપાસમાં આરોપી યુવકે પોતાના સગા મામાના દીકરાની હત્યા કરી હોવાનું હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… ધારીમાં પિતાએ પુત્રનું ગળું દબાવી હત્યા કરી, લાશને જમીનમાં દાટી ત્રણ મહિના પહેલાં અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →