ટ્રાફિક જવાનો વેતનથી વંચિત:મોરબી જિલ્લામાં કાર્યરત ટ્રાફિક બ્રિગેડના 50થી વધુ જવાનને અઢી માસથી વેતન ન મળતા કફોડી હાલત
મોરબી જિલ્લામાં ભારે વરસાદ હોય કે, કડકડતી ટાઢ હોય કે હાલની 43 ડિગ્રી અગનભઠ્ઠી જેવી ભીષણ ગરમીમાં પણ ટ્રાફિક વ્યવસ્થા સાંભળતા 50 થી વધુ ટ્રાફિક બીગ્રેડના જવાનોની કપરી દશા થઈ ગઈ છે. આ ટ્રાફિક બીગ્રેડના જવાનો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા વર્ગના છે. એટલે પોતાનું અને પરિવારનું પેટ ભરવા તેમજ પોલીસ બનવાની આશાએ ટ્રાફિક બીગ્રેડ એટલે ટીઆરબીની આકરી ફરજ બજાવે છે. આમ તો આ જવાનોનું એક તો વેતનમાં લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે. આઠ કલાકની આ ટીઆરબીની નોકરી હોય પણ ઘણીવાર ટ્રાફીક સ્થિતિ વિપરીત હોવાથી 10 કલાક કે વધુ સમય થઈ જાય તો પણ ઓવરટાઈમનો લાભ મળતો જ નથી. જો કે સરકારે અગાઉ દરેક જિલ્લામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યા આ ટ્રસ્ટમાં સરકારનું ગૃહખાતું ગ્રાન્ટ મોકલે એમાંથી આ ટીઆરબીને પગાર ચૂકવાય છે. પણ શરમજનક બાબત એ છે કે, આજની કાળઝાળ મોંઘવારી કોઈ કાળે ન પરવડે અને આ વાત કદાચ કોઈને ગળે પણ ન ઉતરે એમ હમણાં સુધી ટીઅરબીને રોજનું માત્ર 300નું જ મહેનતાણુ ચૂકવાતું હતું. પણ હમણાંથી વધારીને રૂ.450 કરી નાખ્યું છે. એમાં પણ રજાઓ રાખે તો એ બાદ કરીને મહિને પગાર અપાય છે. મોરબી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, આમ તો બે મહિનાથી ટીઆરબીને પગાર ચૂકવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ આવી ન હોય બે મહિનાથી પગાર ચૂકવાયો નથી અને માથે 15 દિવસ ચડી ગયા છે. સરકારમાં રજુઆત કરી હોય ટુંક સમયમાં ગ્રાન્ટ આવી જશે એટલે એમને પગાર ચૂકવાઈ જશે. આમ તો સરકારમાંથી ટાઈમસર ગ્રાન્ટ આવી જતી હોય છે. પણ ક્યાંકરેક વિલંબ થાય છે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે, મોરબી જેવા મહાનગર બનતા શહેરમાં વાહનોનો મારો વધતો હોય એનાથી માર્ગો સાંકડા પડતા હોય ટ્રાફિકજામની સમસ્યા, ટ્રાફિક વોર્ડનને વેતન સહિતની સમસ્યા, ક્યા પોઇન્ટ ઉપર કેટલા વોર્ડનને રાખવા સહિતના મુદ્દે ટ્રસ્ટને ટ્રાફિક પોલીસ તેમજ એસપી સાથે બેઠક કરવાની હોય છે. પણ છેલ્લા બે વર્ષથી આ બેઠક બોલાવી જ નથી. એટલે મહત્વના મુદા અમલમાં લેવાતા ન હોય ટ્રાફિક વ્યવસ્થા ભાંગી પડી છે. જ્યારે આ ટીઆરબીને ખૂબ જ ઓછું વેતન મળતું હોય પણ એ સરકાર હસ્તક હોય એમાં ટ્રસ્ટ કઈ કરી શકતું નથી.
Read Original Article →