મોરબીમાં સમર યોગ કેમ્પનું સમાપન:ગુજરાત યોગ બોર્ડના નિઃશુલ્ક કેમ્પમાં બાળકોને યોગ, સંસ્કાર, વિકાસનો પાઠ

Gujarat6/4/2026, 12:01:26 PM
મોરબીમાં સમર યોગ કેમ્પનું સમાપન:ગુજરાત યોગ બોર્ડના નિઃશુલ્ક કેમ્પમાં બાળકોને યોગ, સંસ્કાર, વિકાસનો પાઠ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં આયોજિત 15 દિવસીય નિઃશુલ્ક 'સમર યોગ કેમ્પ'નું સમાપન થયું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ તેમજ સંસ્કારોનું સિંચન કરવાનો હતો. આ કેમ્પનું આયોજન ગત 16મે થી 30 મે દરમિયાન મોરબીની ગોકુળનગર પ્રાથમિક શાળા અને રાજપર ગામ ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમને દૈનિક જીવનમાં યોગના મહત્વ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગાભ્યાસની સાથે ઇન્ડોર અને આઉટડોર રમતોનું પણ આયોજન કરાયું હતું. ગાયત્રી પરિવારના સહયોગથી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો હતો. સમાપન સમારોહમાં ભાગ લેનાર બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી કેપ, ડ્રોઈંગ બુક, યોગ અભ્યાસ પુસ્તિકા અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોઓર્ડિનેટર દેવાંશીબેન પરમારે વિશેષ પ્રયાસો કર્યા હતા. આ આયોજનમાં સ્થાનિક દાતાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
Read Original Article →