મોરબીમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડી પરિણીતાનું મોત:ગોકુલ મથુરા સોસાયટીમાં બનેલી ઘટના, પોલીસ તપાસ ચાલુ

Gujarat5/21/2026, 8:07:31 AM
મોરબીમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી પડી પરિણીતાનું મોત:ગોકુલ મથુરા સોસાયટીમાં બનેલી ઘટના, પોલીસ તપાસ ચાલુ
મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા વિનાયક હાઈટ્સ એપાર્ટમેન્ટમાં એક દુર્ઘટના બની છે. એપાર્ટમેન્ટના સાતમા માળની અગાશી પરથી નીચે પડી જવાથી એક પરિણીતાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાની ઓળખ ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી (ઉંમર 36) તરીકે થઈ છે, જેઓ વિનાયક હાઈટ્સના પાંચમા માળે રહેતા હતા. આ એપાર્ટમેન્ટ દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના કેનાલ રોડ પર આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં સ્થિત છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના સમયે ઉર્વશીબેન તેમના પતિ અને દીકરા સાથે એપાર્ટમેન્ટના સાતમા માળની અગાશી પર હતા. તેમનો દીકરો કોઈ કામ અર્થે નીચે ગયો હતો. તે દરમિયાન, એપાર્ટમેન્ટના નીચેના ભાગમાંથી અવાજ આવતા ઉર્વશીબેન નીચે જોવા માટે અગાશીની પાળી પાસે ગયા હતા. આ સમયે કોઈ અકસ્માતને કારણે તેઓ અગાશી પરથી નીચે પડી ગયા હતા. તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, અને પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →