ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ મોરબીમાં વિરોધનો સૂર:વોર્ડ 8માં આયાતી નહીં, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ; અન્યથા અપક્ષમાંથી ઉમેદવારી કરાવી તેમને જીતાડવાની ચીમકી
મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના દ્વારા આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતાને પગલે વિરોધનો સૂર ઉઠ્યો છે. ચિત્રકૂટ સોસાયટીમાં સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીનો મુખ્ય હેતુ ભાજપ દ્વારા આ વોર્ડમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચાઓનો વિરોધ કરવાનો હતો. સ્થાનિકોની માંગ છે કે, ભાજપના જે સ્થાનિક આગેવાનોએ ટિકિટની માંગણી કરી છે, તેમાંથી કોઈ એકને ટિકિટ આપવામાં આવે. જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સ્થાનિક લોકો ભાજપના સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેમને ચૂંટાડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપે હજુ સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી નથી, ત્યારે જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. અગાઉ, મોરબીના વોર્ડ નંબર 3માંથી ઓબીસી સમાજના લોકોએ જિલ્લા, શહેર અને પ્રદેશ ભાજપને આવેદનપત્ર પાઠવીને આયાતી નહીં, પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી. આ ઘટનાક્રમ બાદ આજે મોડી સાંજે મોરબીના સનાળા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં વોર્ડ નંબર 8ના મહિલાઓ સહિતના તમામ લોકો એકત્રિત થયા હતા અને ભજીયા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ભજીયા પાર્ટીનું આયોજન કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર કે આગેવાન દ્વારા નહીં, પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ રીતે કરવામાં આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષોથી આ વિસ્તારમાં ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓની ટિકિટની માંગણીને અવગણીને પક્ષ દ્વારા આયાતી ઉમેદવારને મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ સંકલ્પ કર્યો હતો કે, જો ભાજપ દ્વારા વોર્ડ નંબર 8માં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો તેઓ સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેમને ચૂંટણીમાં વિજય અપાવશે. મોરબીના જુદા જુદા વોર્ડમાંથી ઉઠી રહેલા આવા વિરોધના સૂરને કારણે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપ માટે કપરા ચઢાણ સર્જાઈ શકે છે.
Read Original Article →