મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ:₹5.50 લાખ સામે ₹9.75 લાખ ચૂકવ્યા છતાં ધમકીઓ, બે સામે ફરિયાદ નોંધાઈ
મોરબી જિલ્લામાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખાનપર ગામના એક યુવાને બે વ્યાજખોરો સામે માનસિક ત્રાસ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. યુવાને 5.50 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 9.75 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ રકમની માંગણી કરવામાં આવી રહી છે. ફરિયાદ મુજબ, ખાનપર ગામના પારસભાઈ રમેશભાઈ રૈયાણી (ઉંમર 32) એ કોયલીના પરબતભાઈ સવજીભાઈ રબારી અને ગજડી ગામના નિકુંજ ઉર્ફે નિતીનભાઈ જારીયા પાસેથી કુલ 5.50 લાખ રૂપિયા 30 ટકા માસિક વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ ગેરંટી તરીકે સહીવાળા કોરા ચેક અને લખાણ પણ લીધા હતા. પારસભાઈએ પરબતભાઈને 8.40 લાખ રૂપિયા અને નિકુંજને 1.35 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, આમ કુલ 9.75 લાખ રૂપિયા ચૂકવાયા છે. તેમ છતાં, આરોપીઓ વધુ રકમ માટે દબાણ કરી રહ્યા છે. તેઓ પારસભાઈને જાનથી મારી નાખવાની અને ચેક રિટર્નના કેસ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →