મોરબીમાં લુડો ગેમ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા:વાવડી રોડ પરથી રોકડ અને મોબાઇલ સાથે કાર્યવાહી
મોરબી શહેરમાં લુડો ગેમ પર જુગાર રમતા ત્રણ શખ્સોને સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ વાવડી રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ઠાકર ધણી ટી સ્ટોલ સામે ત્રણ શખ્સો શંકાસ્પદ રીતે ગોળ કુંડાળું વળીને બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસે તેમની તપાસ કરતા તેઓ લુડો ગેમ પર હાર-જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નંદલાલ લખમણભાઈ રૈયાણી (ઉંમર 41, રહે. શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ કેન્ટીન રૂમ, મૂળ સજનપર ધુનડા ગામ), બીલાલ આદમભાઈ લંધા (ઉંમર 35, રહે. રણછોડનગર, નિધી પાર્ક સોસાયટી, મોરબી) અને નઈમ નુરમામદભાઈ ચાનીયા (ઉંમર 24, રહે. વિસીપરા, મોરબી)ની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,500 અને એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 6,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →