મોરબીમાં દારૂના નશામાં કાર ચલાવી:બે સ્થળે અકસ્માત સર્જનાર વેપારી સામે ગુનો નોંધાયો
મોરબીમાં દારૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા હતા. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર સરદાર બાગ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જંતીલાલ દેત્રોજાએ રાત્રિના સમયે પોતાની કાર દારૂના નશામાં હંકારી હતી. આ દરમિયાન શનાળા રોડ વિસ્તારમાં તેમણે બે જુદા-જુદા સ્થળોએ અકસ્માત સર્જ્યા હતા, જેમાં કેટલાક વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારચાલક જંતીલાલ દેત્રોજા દારૂના નશામાં હોવાનું સામે આવતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. જરૂરી મેડિકલ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસે જંતીલાલ દેત્રોજા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ 185, 3 અને 181 તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →