મોરબીના ટેકઝો કાર સર્વિસ સ્ટેશનમાં આગ:શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક મોડી રાત્રે આગનો બનાવ, 5 કલાક બાદ કાબૂમાં

Gujarat4/13/2026, 8:44:07 AM
મોરબીના ટેકઝો કાર સર્વિસ સ્ટેશનમાં આગ:શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક મોડી રાત્રે આગનો બનાવ, 5 કલાક બાદ કાબૂમાં
મોરબીના શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક આવેલા ટેકઝો કાર સ્ટુડિયોમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર વિભાગે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ મોડી રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર કાર સર્વિસ સ્ટેશનમાં ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની તીવ્રતા એટલી હતી કે ટીમને સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. સર્વિસ સ્ટેશનમાં પાર્ક કરેલી કેટલીક કારોની ડીઝલ ટેન્કમાં ડીઝલ ભરેલું હોવાથી બ્લાસ્ટ થવાની શક્યતા હતી. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, ફાયર વિભાગે ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરી હતી. આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં સર્વિસ સ્ટેશનને મોટા પાયે નુકસાન થયું હતું. જોકે, ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાભીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના રહેણાંક મકાનો નજીક હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
Read Original Article →