મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:મહાનગરપાલિકા દ્વારા આયોજન, રાજકીય અગ્રણીઓ જોડાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને પર્યાવરણની જાળવણી માટે પ્રેરિત કરવાનો હતો.
આ રેલીનો પ્રારંભ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી થયો હતો. ત્યાંથી નીકળીને રેલી સરદારબાગ થઈને શનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ મોરબીને સ્વચ્છ રાખવાના સૂત્રોચ્ચારો કર્યા હતા. આ જાગૃતિ રેલીમાં મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઇ અને શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોરબીના વિવિધ સમાજના મોભીઓ અને અગ્રણીઓ પણ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. મોરબી મહાનગરપાલિકાએ તમામ નગરજનોને અપીલ કરી છે કે સ્વચ્છતા એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ સૌની સામૂહિક જવાબદારી છે. સૌ સાથે મળીને મોરબીને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
Read Original Article →