મોરબીમાં સ્નેપચેટથી યુવતીનું અપહરણ, દુષ્કર્મ:ન્યુડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી, આરોપી સામે ગુનો
મોરબીમાં સ્નેપચેટ દ્વારા સંપર્કમાં આવેલી એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ યુવતીના ન્યુડ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર, રાજકોટના જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતા સોહીલખાન ફીરોજખાન પઠાણ નામના શખ્સે સ્નેપચેટ એપ્લિકેશન દ્વારા મોરબીના ગ્રામ્ય વિસ્તારની યુવતીનો સંપર્ક કર્યો હતો. તેણે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મોરબીમાં વારંવાર મળવા આવતો હતો. ગત તા. 10 મેના રોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં આરોપીએ મોરબીમાં આવેલી આયુષ હોસ્પિટલ પાસેથી યુવતીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે યુવતીને પોતાના રાજકોટ સ્થિત ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો અને તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે જો તે તેના ઘરેથી ક્યાંય જશે તો તે તેના ફોટા વાયરલ કરી દેશે. તેણે એમ પણ કહ્યું હતું કે જો યુવતી કોઈને આ બાબતની જાણ કરશે તો તેને જીવતી નહીં છોડે અને ગળું દબાવીને મારી નાખશે. આ ઉપરાંત, આરોપીએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કરી હતી. ભોગ બનેલી યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે, પોલીસે સોહીલખાન ફીરોજખાન પઠાણ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →