મોરબી સલૂનમાં પિતા-પુત્રને માર મારવાનો કેસ:વાઈરલ CCTV વીડિયો બાદ બે શખસ સામે ગુનો નોંધાયો

Gujarat5/19/2026, 6:13:48 AM
મોરબી સલૂનમાં પિતા-પુત્રને માર મારવાનો કેસ:વાઈરલ CCTV વીડિયો બાદ બે શખસ સામે ગુનો નોંધાયો
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા અશોક હેર સલૂનમાં વાળ કપાવવાના વારા બાબતે થયેલી બોલાચાલી બાદ દુકાનદાર અને તેમના પિતાને માર મારવાના કેસમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આનંદનગરમાં રહેતા પ્રશાંતભાઈ અશોકભાઈ લાંઘણોજા (ઉં.વ. 25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પ્યારૂ દાદુભાઈ પરમાર (રહે. દલવાડી સર્કલ, મોરબી) અને આકાશ નામના બે શખ્સોના નામનો ઉલ્લેખ છે. પ્રશાંતભાઈની ફરિયાદ મુજબ, ગત 13 મેના રોજ રાત્રે નવ વાગ્યાના સુમારે પ્યારૂ પરમાર વાળ કપાવવા માટે દુકાને આવ્યો હતો. વારો લેવા બાબતે દુકાનદાર સાથે તેની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ, પ્યારૂ પરમાર અને આકાશ ફરીથી દુકાને આવ્યા હતા. તેમણે વાળ કાપવાના વારા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને દુકાનદાર પ્રશાંતભાઈ તથા તેમના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે હવે ભોગ બનેલા દુકાનદારની ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
Read Original Article →