રેન્જ આઈજીની ટીમે મોરબીમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી:રોયલ્ટી વગર રેતી ભરેલા 10 ડમ્પર જપ્ત કર્યા

Gujarat5/13/2026, 2:50:07 PM
રેન્જ આઈજીની ટીમે મોરબીમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી:રોયલ્ટી વગર રેતી ભરેલા 10 ડમ્પર જપ્ત કર્યા
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. માળીયા-પીપળીયા હાઈવે રોડ પરથી રોયલ્ટી વગર રેતી ભરીને પસાર થઈ રહેલા 10 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રેન્જ આઈજીની ટીમના પીએસઆઈ ડી.સી. મિયાત્રા અને તેમનો સ્ટાફ મોરબી જિલ્લાના માળીયા-પીપળીયા હાઈવે રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને રોયલ્ટી પાસ વગર રેતી ભરેલા 10 ડમ્પર પસાર થતા જોવા મળ્યા હતા. ટીમે તાત્કાલિક આ ડમ્પરોને રોક્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે, આ ડમ્પરોમાં ભરેલી રેતી કચ્છ જિલ્લાના શિકારપુર વિસ્તારમાંથી લાવવામાં આવી હતી અને તેને જામનગર તરફ લઈ જવામાં આવી રહી હતી. રેન્જ આઈજીની ટીમે આ ડમ્પરો અને તેમાં ભરેલા રેતીના જથ્થાને જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ડમ્પર અને વાહનચાલકોને આગળની કાર્યવાહી માટે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ રેડ અંગે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. રાજકોટમાં રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Read Original Article →