પત્ની-પુત્રીનો મકાનમાલિક પાસે બળાત્કાર કરાવ્યો:ભાડું ચૂકવવાના પૈસા ન હતા એટલે સોદો કર્યો, બંને આરોપી જેલહવાલે; મોરબીમાં માનવતાને શર્મસાર કરનારો કિસ્સો

Gujarat5/16/2026, 2:38:05 PM
પત્ની-પુત્રીનો મકાનમાલિક પાસે બળાત્કાર કરાવ્યો:ભાડું ચૂકવવાના પૈસા ન હતા એટલે સોદો કર્યો, બંને આરોપી જેલહવાલે; મોરબીમાં માનવતાને શર્મસાર કરનારો કિસ્સો
મોરબી શહેરમાંથી સમાજને ધ્રુજાવી દેનારો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન ભાડાના પૈસા ચૂકવી ન શકતા એક નરાધમ ભાડૂઆતે પોતાની પત્ની અને સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ આચરવા માટે મકાન માલિકને સંમતિ આપી હતી. આ સંમતિ બાદ મકાન માલિકે માતા અને પુત્રી બંને પર અત્યાચાર ગુજાર્યો હતો. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર મહિલાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાડૂઆત પતિ અને મકાન માલિકની ધરપકડ કરી લીધી છે. કોર્ટે બંને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ભાડાના પૈસાના બદલામાં પત્ની-પુત્રીનો સોદો કર્યો પોલીસ તપાસમાંથી મળતી વિગતો મુજબ, મોરબી શહેરમાં ભાડે રહેતા એક વ્યક્તિ પર મકાનનું ભાડું ચડી ગયું હતું. આર્થિક સંકડામણના કારણે તેની પાસે ભાડું ચૂકવવાના પૈસા ન હોવાથી તેણે ભાડાની વસૂલાતના બદલામાં પોતાની પત્ની સાથે દુષ્કર્મ આચરવા માટે મકાન માલિકને મંજૂરી આપી દીધી હતી. આટલું જ નહીં, મકાન માલિકે ભાડૂઆતની સગીર વયની દીકરી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ભોગ બનનાર મહિલાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. POCSO સહિતની કલમો હેઠળ ગુનો દાખલ આ ઘટના સંદર્ભે પોલીસે મહિલાના પતિ (ભાડૂઆત) અને મકાન માલિક સહિત કુલ 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કાર્યવાહી આ ગંભીર ગુના અંગે મોરબીના ડીવાયએસપી (DySP) જે. એમ. આલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, માતા અને સગીર દીકરી સાથે દુષ્કર્મની આ ઘટના આશરે 6 મહિના પહેલા બની હતી. મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ (PI) વાય. બી. જાડેજા અને તેમની ટીમે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગણતરીના સમયમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 1 આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →