મોરબીમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કાર્યવાહી:બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અન્ય બેની પૂછપરછ ચાલુ
મોરબીમાં પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત વ્યાપક તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે, જ્યારે અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. મોરબી તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની હાજરી અંગે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની ટીમોએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ-અલગ સ્થળોએ ચકાસણી કરીને કુલ 100 જેટલા લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન બે મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને મહિલાઓને કસ્ટડીમાં લીધી છે અને તેમની ઓળખ, દસ્તાવેજો તેમજ ભારતમાં પ્રવેશ અંગેની વિગતોની તપાસ શરૂ કરી છે. મોરબી ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ તમામ લોકો બાંગ્લાદેશથી મોરબી સુધી કેવી રીતે પહોંચ્યા, કોની મદદથી અહીં વસવાટ કરતા હતા, કોના મકાનમાં રહેતા હતા અને તેમની સાથે કોઈ અન્ય નેટવર્ક સંકળાયેલું છે કે નહીં. પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
Read Original Article →