મોરબીના ન્યુ પેલેસમાં આગ લાગી:ત્રણ રૂમમાં એન્ટિક ફર્નિચર બળીને ખાખ, એક મહિલાનો બચાવ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ન્યુ પેલેસના ત્રીજા માળે રવિવારે સવારે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ રૂમમાં રાખેલું એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને એક મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. એલ.ઈ. કોલેજ નજીક આવેલા રાજવી પરિવારના ન્યુ પેલેસમાં રવિવારે સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. શરૂઆતમાં એક રૂમમાં લાગેલી આગ ઝડપથી આસપાસના અન્ય બે રૂમમાં પણ ફેલાઈ ગઈ હતી, જેના કારણે મોટું નુકસાન થયું હતું. આગની જાણ થતાં જ મોરબી મહાપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ત્રણેય રૂમમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. મોરબી મહાપાલિકાના ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીએ જણાવ્યું હતું કે, આગ લાગવાને કારણે એક મહિલા રૂમમાં ફસાઈ ગઈ હતી, જેને ફાયર ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગના કારણે થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ હજુ સુધી જાણી શકાયો નથી.
Read Original Article →