મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં મોટા તફાવતથી ઉદ્યોગકારોમાં રોષ:જૂના - નવા ગ્રાહકો વચ્ચે મોટું અંતર; સરકારને સમાન ભાવની નીતિ માટે હસ્તક્ષેપ કરવા માગ કરી

Gujarat4/5/2026, 8:35:21 AM
મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં મોટા તફાવતથી ઉદ્યોગકારોમાં રોષ:જૂના - નવા ગ્રાહકો વચ્ચે મોટું અંતર; સરકારને સમાન ભાવની નીતિ માટે હસ્તક્ષેપ કરવા માગ કરી
મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક સામ્રાજ્યમાં અત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવ નિર્ધારણમાં રાખવામાં આવેલી વિષમતાને કારણે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સિરામિક એકમોની ગંભીર માંગ છે કે, જો સરકાર આ મામલે સક્રિય હસ્તક્ષેપ કરીને સમગ્ર ઉદ્યોગ માટે ‘એક સમાન ભાવ’ની નીતિ અમલી બનાવે, તો જ મંદીના મરણે પડેલા અને બંધ પડેલા કારખાનાઓમાં ફરી ચેતનાનો સંચાર થઈ શકે તેમ છે. હજારો ઉદ્યોગકારો નેચરલ ગેસના શરણે જવા મજબૂર વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની પ્રત્યક્ષ આંચ મોરબીના આંગણે વર્તાઈ રહી છે, જેના કારણે પ્રોપેન ગેસનો જીવનરેખા સમાન પુરવઠો સાવ ઠપ થઈ ગયો છે. પ્રોપેન ગેસ પર નિર્ભર રહેતા અનેક સિરામિક ટાઇલ્સના કારખાનાઓ છેલ્લા લગભગ 1 મહિનાથી બંધ થઈ ગયા છે. ઇંધણના આ ગંભીર સંકટને પગલે હવે હજારો ઉદ્યોગકારો અનિવાર્યપણે નેચરલ ગેસના શરણે જવા મજબૂર બન્યા છે. કારખાનેદારોમાં ઘેરી નિરાશા ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસ માટે ઈમેલ મારફતે જે ભાવપત્રક જાહેર કર્યું છે, તેણે ઉદ્યોગકારોની રહીસહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે. કંપની દ્વારા જૂના કાયમી ગ્રાહકો અને મજબૂરીવશ નવા જોડાયેલા ગ્રાહકો વચ્ચે ભાવમાં જે મોટું અંતર રાખવામાં આવ્યું છે, તેનાથી ઉદ્યોગ ફરી બેઠો થવાની આશા રાખતા કારખાનેદારોમાં ઘેરી નિરાશા વ્યાપી ગઈ છે. કાયમી ગ્રાહકો માટે સ્લેબ સિસ્ટમ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ આ સ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, એપ્રિલમાં જાહેર થયેલા દરો મુજબ છેલ્લા 6 મહિનાથી નેચરલ ગેસ વાપરતા કાયમી ગ્રાહકો માટે સ્લેબ સિસ્ટમ રખાઈ છે. જેમાં માસિક વપરાશના 50% સુધી 52 રૂપિયા, 50% થી 80% સુધી 75 રૂપિયા અને 80% થી 100% સુધી 85 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે, જેના કારણે કાયમી ગ્રાહકોને સરેરાશ 65 રૂપિયાના ભાવે ગેસ ઉપલબ્ધ થાય છે. નવા ગ્રાહકો માટે આકરો ભાવ ફટકારવામાં આવ્યો તેમણે વધુમાં વ્યથા ઠાલવતા ઉમેર્યું કે, પ્રોપેન ગેસના અભાવે જે નવા ગ્રાહકો નેચરલ ગેસ તરફ વળ્યા છે, તેમને કંપની દ્વારા સીધો 88 થી 90 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો આકરો ભાવ ફટકારવામાં આવ્યો છે. એક જ ઔદ્યોગિક વિસ્તારમાં, એક સરખી પ્રોડક્ટ બનાવવા માટે ગેસ કંપનીની આ બેધારી નીતિએ ઉદ્યોગકારો માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનાવી દીધું છે. મધ્યસ્થી કરવા માગ ઊઠી મનોજભાઈ એરવાડીયાએ સરકારને સત્વરે આ વિવાદમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી છે કે મોરબીના પ્રત્યેક કારખાનેદારને સમાન દરે નેચરલ ગેસ પૂરો પાડવામાં આવે. જો સરકાર લોકહિતમાં 'નહીં નફો નહીં નુકસાન'ના ઉમદા ધોરણે ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરે, તો જ એક મહિનાથી મૌન થઈ ગયેલા સિરામિક એકમોના પૈડાં ફરી ગતિમાન થઈ શકશે.
Read Original Article →