મોરબીમાં 28 જૂને 1.25 લાખ બાળકોને પોલિયો ટીપાં પીવડાવાશે:નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને રક્ષણ
મોરબી જિલ્લામાં 28 જૂનના રોજ 0 થી 5 વર્ષના આશરે 1.25 લાખ બાળકોને પલ્સ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમ 'નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે' અંતર્ગત યોજાશે. આ અંગેની ચર્ચા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આરોગ્ય સંબંધિત વિવિધ યોજનાઓ અને અભિયાનોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડી.જી.આર.સી. (DGRC) બેઠકમાં ‘PM-JAY આયુષ્માન યોજના’ હેઠળ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત, માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવા માટે તેના મૂળભૂત કારણોનું વિશ્લેષણ કરી આરોગ્ય તંત્રને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ડી.ટી.એફ.આઈ. (DTFI) બેઠકમાં બાળકોના નિયમિત રસીકરણ કાર્યક્રમની સમીક્ષા સાથે આગામી 28 જૂન, 2026ના રોજ યોજાનારા ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. મોરબી જિલ્લામાં 0 થી 5 વર્ષના અંદાજિત 1.25 લાખ બાળકોને પોલિયો વિરોધી રક્ષણાત્મક ટીપાં પીવડાવવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. બેઠકના અંતે એલ.સી.ડી.સી. (LCDC) કમિટી હેઠળ લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે 8 જૂનથી શરૂ થયેલું અને 18 જૂન સુધી ચાલનારું આ અભિયાન સમાજમાંથી લેપ્રસીના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ અને સારવાર માટે મહત્વપૂર્ણ છે, જેથી રોગના નિર્મૂલન તરફ અસરકારક પગલાં લઈ શકાય. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ સહિત આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →