મોરબીની 3 નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન:ટંકારા, વાંકાનેરમાં ભાજપ; માળિયામાં કોંગ્રેસનો વિજય
મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજે યોજાઈ હતી. આ ચૂંટણીમાં ટંકારા અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે માળિયા નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટેની પ્રક્રિયાઓ રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે, મોરબી જિલ્લાની વાંકાનેર, ટંકારા અને માળિયા નગરપાલિકામાં પણ આ પદો માટે ચૂંટણી યોજાઈ હતી. ટંકારા નગરપાલિકામાં કુલ 24 સદસ્યો છે, જેમાંથી 18 ભાજપના અને 6 કોંગ્રેસના છે. અહીં પ્રમુખ પદ માટે ભાજપના પંકજભાઈ કારોલીયા અને ઉપપ્રમુખ પદ માટે સરોજબેન ખોખાણીનો વિજય થયો હતો. વાંકાનેર નગરપાલિકામાં 28 સદસ્યો પૈકી 21 ભાજપના, 4 કોંગ્રેસના અને 3 બસપાના ચૂંટાયેલા સભ્યો હતા. આ પાલિકામાં પ્રમુખ પદ માટે ભાજપના રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ પદ માટે માધવીબેન દવે વિજેતા બન્યા છે. માળિયા મીયાણા નગરપાલિકામાં 24 સભ્યોમાંથી 17 કોંગ્રેસના અને 7 ભાજપના હતા. અહીં પ્રમુખ તરીકે હારુનભાઈ સંધવાણી અને ઉપપ્રમુખ પદે નુરાઅલી વિરમભાઇનો વિજય થયો છે.
Read Original Article →