રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ મોરબીમાં અધિકારીઓ સાથે બેઠક કરી:ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત, ગુનાઓની સમીક્ષા કરી
રાજ્ય પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં રેન્જમાં કરાયેલા ફેરફાર બાદ કચ્છ રેન્જમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાની મુલાકાતે રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આવ્યા હતા. તેમણે એસપી કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં છેલ્લા છ મહિનામાં બનેલી ગુનાહિત ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા. રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં જૂની રેન્જમાં ફેરફાર કરીને નવી રેન્જ બનાવી છે. જેમાં મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી અલગ કરીને કચ્છ રેન્જમાં સમાવવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત કચ્છ રેન્જમાં પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. પોતાની મોરબી મુલાકાત દરમિયાન રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ સિરામિક, ટ્રાન્સપોર્ટ સહિતના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે એસપી મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી જે.એમ.આલ, સમીર સારડા, વિરલ દલવાડી, પરમાર તેમજ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લામાં બનેલા ગુનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પત્રકારોને માહિતી આપતા નવા રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ગુનાખોરીને નિયંત્રિત કરવા માટે પોલીસ ટીમ સક્રિય રહેશે. ખાસ કરીને, મોરબી જિલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ વધુ હોવાથી ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિક સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પણ પોલીસ દ્વારા કામગીરી કરાશે. ઉલ્લેખનીય છે કે, આ નવી બોર્ડર રેન્જ હેઠળ કુલ 404.87 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ અને અંદાજે 238 કિલોમીટર દરિયાઈ વિસ્તાર આવે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.
Read Original Article →