મોરબી મેયર પદ માટે ભાજપમાં ખેંચતાણ:પાર્લામેન્ટરી બોર્ડમાં પેનલના નામ બદલાતા હોબાળો
મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૫૨ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે. જોકે, પ્રથમ મેયરની પસંદગીને લઈને પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. જિલ્લા સંકલન સમિતિ દ્વારા નક્કી કરાયેલી મેયર પદની પેનલમાં છેલ્લી ઘડીએ નામ બદલવામાં આવતા ગાંધીનગર ખાતેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોબાળો થયો હતો. મહાપાલિકાના મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ માટે OBC અનામત જાહેર કરાઈ છે. આ માટે થોડા સમય પહેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં સંકલન બેઠક મળી હતી, જેમાં મેયર પદ માટેના નામોની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબીમાં બનેલી પેનલમાં ભાવેશભાઈ કંઝારીયાનું નામ પ્રથમ, ભુપતભાઈ જારીયાનું નામ બીજું અને ગણેશભાઈ ડાભીનું નામ ત્રીજા ક્રમે નક્કી થયું હતું. પરંતુ, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાયેલી પેનલમાં આ ક્રમ બદલીને ગણેશભાઈ ડાભીનું નામ પ્રથમ, ભુપતભાઈ જારીયાનું નામ બીજું અને ભાવેશભાઈ કંઝારીયાનું નામ ત્રીજા ક્રમે મૂકવામાં આવ્યું હતું. મંત્રીને જાણ કર્યા વગર જ પેનલના ક્રમમાં કરાયેલા આ ફેરફારને કારણે પાર્લામેન્ટરી બોર્ડમાં ભારે હોબાળો થયો હતો. રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા વચ્ચે ભાજપના સિનિયર આગેવાનોની હાજરીમાં બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના મતે, મોરબી જિલ્લા ભાજપના આગેવાનો વચ્ચે સંકલનના અભાવને કારણે મેયર પદનો નિર્ણય હવે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ પર છોડી દેવામાં આવ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામ નક્કી કરવામાં આવશે, તે જ મોરબીના પ્રથમ મેયર બનશે.
Read Original Article →