મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર ઉત્તમ સુરાણી બન્યા:ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, ભાજપે નવા ચહેરાઓને તક આપી
મોરબી મહાપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે અપેક્ષાથી વિપરીત નવા ચહેરાઓને તક આપીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. ઉત્તમભાઈ સુરાણીને પ્રથમ મેયર અને ચિરાગભાઈ રાણપરાને ડેપ્યુટી મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણી મોરબી મહાપાલિકાની નવી બિલ્ડિંગમાં બીજા માળે આવેલા હોલમાં યોજાઈ હતી. ડેપ્યુટી કમિશનર સંજય સોનીના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ બેઠકનું આયોજન થયું હતું. ભાજપના તમામ 52 ચૂંટાયેલા સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ પ્રથમ બેઠકમાં નિયમાનુસાર પ્રથમ અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા આ પદો માટે મેન્ડેડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતીભાઈ પડસુંભિયા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈના નામ પણ જાહેર કરાયા હતા.
મોરબી મહાપાલિકાની ચૂંટણી બાદ મેયર પદ માટે ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા અને ગણેશભાઈ ડાભીના નામોની ચર્ચા હતી. જોકે, મોરબીમાં નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડે નવા નામોની જાહેરાત કરવાનું પસંદ કર્યું. મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીની ઉંમર માત્ર 26 વર્ષ છે. તેમણે બીએસસી કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા બે વર્ષથી યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભાજપના સક્રિય સભ્ય ન હોવા છતાં, ભાજપની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. ઉત્તમભાઈ સુરાણીએ મોરબીના વોર્ડ નંબર 8 માંથી મહાપાલિકાની ચૂંટણી લડીને વિજય મેળવ્યો છે. તેઓ ગુજરાતના સૌથી યુવા મેયર બન્યા છે. તેમણે મોરબી મહાપાલિકાના તમામ સભ્યોને સાથે રાખીને શહેરની સમસ્યાઓ દૂર કરવા અને લોકોની સુવિધાઓમાં વધારો કરવાની ખાતરી આપી છે.
Read Original Article →