મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં ભાજપનો પ્રચાર શરૂ:મહાપાલિકા ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા

Gujarat4/12/2026, 7:31:02 AM
મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં ભાજપનો પ્રચાર શરૂ:મહાપાલિકા ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાની હાજરીમાં જનસેવાનો સંકલ્પ લીધો. આ સાથે જ તેમણે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. મોરબીમાં પ્રથમ વખત યોજાઈ રહેલી મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આજે મોરબીના રવાપર ગામ પાસે આવેલા કેપિટલ માર્કેટ ખાતે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે, મોરબી મહાપાલિકાની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બને તે માટેની ચર્ચા અને વિચાર ઉમેદવારો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તાર આગામી સમયમાં સુંદર અને રળિયામણો બને, લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિકાસના નવા આયામો સુધી પહોંચે તેવા કાર્યો કરવામાં આવશે. જાડેજાએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10,000 જેટલી બેઠકો પર 2 લાખ જેટલા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. ભાજપ દ્વારા દરેક જ્ઞાતિ અને સમાજને પ્રાધાન્ય મળે તે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. જોકે, કેટલાક આગેવાનો નારાજ થઈને મોરબી સહિત ગુજરાતમાં અપક્ષ ઉમેદવારી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વર્ષો સુધી ભાજપ માટે કામ કરનારા કાર્યકર્તાઓ નારાજ હોઈ શકે છે, પરંતુ તેઓ ભાજપથી વિમુખ ન હોઈ શકે. આવા કાર્યકર્તાઓને પ્રથમ જિલ્લા સ્તરની ટીમ દ્વારા સમજાવવા અને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો જરૂર જણાશે તો પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા પણ પગલાં લેવામાં આવશે.
Read Original Article →