મોરબી મહાપાલિકા: સુપરસિડ બોડીના 7 સભ્યો રિપીટ:પૂર્વ પ્રમુખો, ઉદ્યોગકારો સહિત અનેકના પત્તા કપાયા
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ગઈકાલે મોડી રાત્રે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં નગરપાલિકાની સુપરસિડ થયેલી છેલ્લી બોડીના સાત સભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, પાંચ પૂર્વ પ્રમુખો, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખો, અનેક ચેરમેનો તથા માજી સભ્યો સહિત અનેકના પત્તા કપાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોડી સાંજે આ યાદી જાહેર કરાઈ હતી. ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી'ની વાતો કરવામાં આવતી હતી, પરંતુ જાહેર કરાયેલા નામોમાં સાત ઉમેદવારો રિપીટ થયા છે. આ રિપીટ થયેલા ઉમેદવારોમાં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, જશવંતીબેન પ્રવીણભાઈ સોનગરા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, મેઘાબેન દીપકભાઈ પોપટ, બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા અને ભાવિકભાઈ ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાંચ ઉમેદવારો એવા છે જેમના પરિવારના સભ્યો ગત નગરપાલિકાની બોડીમાં હતા. આ વખતે ચહેરો બદલીને પૂર્વ સદસ્યના પરિવારજનને ટિકિટ અપાઈ છે. તેમાં વીણાબેન માવજીભાઈ કંઝારિયા, ભારતીબેન ચુનીલાલ પરમાર, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને હિરેન પરબતભાઈ કરોતરાનો સમાવેશ થાય છે. સનાળા ગામના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાને પણ ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવી છે. મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી 52 આગેવાનોને સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી છે. જોકે, અનેક મોટા નામોના પત્તા કપાયા છે. પત્તા કપાયેલા નેતાઓમાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દેવાભાઈ પરબતભાઈ અવાડીયા, કેતનભાઇ અમૃતલાલ વિલપરા, લલિતભાઇ જેરાજભાઈ કામરીયા, અનુપસિંહ સજુભા જાડેજા અને દીનાબા જયવંતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, માજી ચેરમેનો પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ, ઇદ્રીશભાઈ મેપાભાઇ જેડા, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારિયા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રભુલાલ મહેતા, મોરબી જિલ્લા યુવા ભાજપના માજી મહામંત્રી જયદીપભાઇ કનુભાઈ, શનાળા ગામના માજી ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલાનો પણ સમાવેશ થાય છે. મોરબીના ઉદ્યોગકારોમાં હરેશભાઈ રામજીભાઈ બોપલિયા, અનિલભાઈ લાલજીભાઈ વરમોરા અને બળદેવભાઈ દેવજીભાઈ નાયક પરા તેમજ અનેક માજી સભ્યોના પત્તા પણ કપાયા છે.
Read Original Article →