મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો, રસ્તા પર પાણી ભરાયા:ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું અને અહીં લાખો લીટર પાણીનો બગાડ

Gujarat6/3/2026, 5:22:57 AM
મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો, રસ્તા પર પાણી ભરાયા:ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું અને અહીં લાખો લીટર પાણીનો બગાડ
મોરબીમાંથી પસાર થતી મચ્છુ કેનાલ હાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હોવા છતાં ઓવરફ્લો થઈ રહી છે. રવાપર ગામ પાસે કેપિટલ માર્કેટ નજીક કેનાલ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે મોરબી અને માળિયા તાલુકાના કુલ 17 ગામના ખેડૂતોને મચ્છુ-૨ ડેમમાંથી મચ્છુ કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. આ વર્ષે પણ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ કેનાલની યોગ્ય સફાઈ ન થવાને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે. આના પરિણામે, છેવાડાના ગામો સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. રાત્રિ દરમિયાન રવાપર ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં રસ્તા પર લગભગ અડધાથી એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. આ સ્થિતિને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય લાલિતભાઈ કસુંદ્રાએ જણાવ્યું હતું કે, એક તરફ મોરબી અને માળિયાના ખેડૂતો કપાસ સહિતના પાકોના આગોતરા વાવેતર માટે પાણીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમને પાણી મળતું નથી. બીજી તરફ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કેનાલની સફાઈ કરવામાં આવી નથી અને કેનાલના સાઈફનમાં પણ કચરો ભરાયેલો છે. આ બેદરકારીના કારણે કેનાલ ઓવરફ્લો થઈ રહી છે અને પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે. ખેડૂતો સહિતના લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે, જેથી પાણીનો બગાડ અટકે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે.
Read Original Article →