મોરબીમાં મહાપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ ચલાવી:મચ્છી પીઠ વિસ્તારમાં કાચા-પાકા દબાણો જેસીબીથી દૂર કરાયા
મોરબીમાં જુના બસ સ્ટેશન પાછળ આવેલા મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વેપારીઓ દ્વારા કરાયેલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતની ટીમે સ્થળ પર પહોંચીને રોડ સાઈડના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જે દબાણો બાકી હતા, તે તમામ જેસીબીની મદદથી દૂર કરાયા હતા. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, આ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે બે દિવસ પહેલા સોમવારે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળતા કેટલાક વેપારીઓએ પોતાના દબાણો જાતે જ દૂર કરી લીધા હતા. જોકે, જે બાકી રહેલા ઓટલા, છાપરા સહિતના દબાણો હતા, તેને આજે મહાપાલિકાની ટીમે જેસીબી દ્વારા તોડી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દર બુધવારે મહાપાલિકા દ્વારા કોઈને કોઈ વિસ્તારમાં રોડ રસ્તાની સાઈડમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. અગાઉ પણ આ જ મચ્છી પીઠ વિસ્તારમાં દબાણો હટાવાયા હતા, પરંતુ ફરી દબાણો થઈ ગયા હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરાઈ હતી.
Read Original Article →