મોરબીમાં 8.38 લાખની લૂંટ કરનાર 3 આરોપી ઝડપાયા:2ની શોધખોળ શરૂ, એક્ટિવાને ટક્કર મારી આંખમાં મરચાની ભૂકી છાંટી છરીની અણીએ લૂંટ ચલાવી હતી

Gujarat5/20/2026, 3:06:04 PM
મોરબીમાં 8.38 લાખની લૂંટ કરનાર 3 આરોપી ઝડપાયા:2ની શોધખોળ શરૂ, એક્ટિવાને ટક્કર મારી આંખમાં મરચાની ભૂકી છાંટી છરીની અણીએ લૂંટ ચલાવી હતી
મોરબીના સરતાનપર રોડ પર સોમવારે બપોરે થયેલી 8.38 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. માણેકવાડા ગામના ફારુક રજાકભાઈ સુમરા (ઉં.વ. 26) મની ટ્રાન્સફરના કલેક્શન એજન્ટ તરીકે કામ કરે છે. સોમવારે બપોરે તેઓ વિવિધ કલેક્શન સેન્ટરો પરથી 8.38 લાખ રૂપિયા રોકડા લઈને પોતાના એક્ટિવા પર સરતાનપર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને આંખમાં મરચાની ભૂકી છાંટી છરીની અણીએ લૂંટ ચલાવી હતી. પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે, ફરિયાદીએ જ્યાંથી છેલ્લું કલેક્શન કર્યું હતું, તે દુકાનના માલિકે જ લૂંટારુઓને લૂંટ માટેની ટીપ આપી હતી. આ માહિતીના આધારે મોરબી તાલુકા પીઆઈ એન.એસ. ઘેટીયા અને તેમની ટીમે ટીપ આપનાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઝડપાયેલા આરોપીઓમાં હેમરાજ ઉર્ફે હેમારામ સોનરામ મેઘવાલ (ઉં.વ. 21, મૂળ રાજસ્થાન), જસરાજ ઉર્ફે જસવંત પુરારામ ચૌધરી (ઉં.વ. 22, મૂળ રાજસ્થાન) અને રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે (ઉં.વ. 20, રહે. નવા જાંબુડિયા, મોરબી) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 1.55 લાખ રૂપિયા રોકડા અને 60 હજાર રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ગુનામાં માંગીલાલ અને ઘનારામ નામના બે આરોપીઓને પકડવાના બાકી છે. આરોપી હેમરાજની સરતાનપર રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન છે. ફરિયાદી ફારુકે છેલ્લે આ દુકાન પરથી 89 હજાર રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હેમરાજે ફારુકની હિલચાલ અંગે જસરાજને ટીપ આપી હતી, અને જસરાજે આ માહિતી રિકેનને પહોંચાડી હતી. ત્યારબાદ રિકેન, માંગીલાલ અને ઘનારામે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.
Read Original Article →